વિધાનસભાનાં વિજેતા તેમજ પરાજિત ઉમેદવારનો જીઆઇડીસી મંજૂર કરાયાનો દાવો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૩ જિલ્લામા નવી જીઆઈડીસી બનાવવા પ્રિફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા માટે સૈધ્ધાંતીક મંજુરી આપવામાં આવી છે.જેમાં ધાનેરા તાલુકાનો પણ સમાવેશ થતા ગત વિધાનસભાના પરાજીત ભગવાનભાઈ પટેલ તથા વિજેતા માવજીભાઈ દેસાઈએ પણ જીઆઇડીસી અમે મંજુર કરાવી તેવા સોશિયલ મીડિયામાં દાવા કર્યા છે.જેથી ધાનેરા મત વિસ્તારમા ભર ઉનાળે રાજકીય ગરમાવો છવાયો છે. ધાનેરા વિધાન સભાની ચૂંટણી દરમિયાન મુખ્ય મુદ્દો સિંચાઇના પાણી તેમજ રોજગારી માટે જીઆઇડીસીનો હતો.જે છેલ્લા ૧૫ વર્ષથી મત વિસ્તારની પ્રજાની માગ હતી જેને લઇ ગુજરાત સરકારના લિસ્ટમા ધાનેરાનું નામ આવતા પ્રજા ખુશ થઈ છે. સાથે સાથે વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભાજપમાંથી ઉમેદવારી કરનાર ભગવાનભાઈ પટેલના નામ અને ફોટા સાથે સોશિયલ મીડિયામા દાવાની પોસ્ટ થઈ રહી છે.તેથી પ્રજામાં સવાલ ઉઠ્યો છે કે જીઆઇડીસી કોની રજૂઆતના પગલે મંજૂર થઈ ? ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યાના કારણે બેરોજગારીએ જન્મ લઈ લીધો છે.આવા સમયે જો નાના મોટા ઉદ્યોગ સાથે જીઆઇડીસી શરૂ થાય તો યુવાનો માટે રોજગારીની મોટી તક ઊભી થાય તેમ છે.પણ જીઆઇડીસીની મંજૂરીને લઈ બન્ને નેતાઓનો સંપર્ક કરતા બન્નેએ જણાવ્યું છે કે તેમની રજૂઆતના પગલે સરકારે મંજૂરી આપી છે. ધાનેરા મત વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન કોંગ્રેસ પક્ષનું રાજ હતુ.ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત સાથે આ બાબતે સવાલ કરતા તેઓ જણાવી રહ્યા છે કે બન્ને નેતાઓ પોતાનો દાવો કરી રહ્યા છે.પણ ધાનેરાના હિતમા દરેક રાજકીય આગેવાન એક થઈ સરકારમા યોગ્ય અને સાચી રજૂઆત કરી જીઆઇડીસી માટે કામગીરી શરૂ કરે તો યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે. તે આશયથી રાજ્યમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી.હવે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામા આવી છે.ત્યારે ધાનેરા શહેરી વિસ્તારમાં જીઆઇડીસી બને એટલી જમીન છે નહિ, જમીન બાબતે પ્રાંત કચેરી સુધી પહોંચી તપાસ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન જીઆઇડીસી માટે જમીનની માત્રા વધુ હોવી જોઈએ સાથે પાણી,ખેતી સહિતના અનેક પરિબળો જીઆઇડીસીની મંજૂરી માટે જવાબદાર હોય છે.હવે જોવાનું એ છે કે આ તમામ પરિબળો મળી રહે છે કે કેમ ? અને તેના માટે નેતાઓ કેટલી મહેનત કરે છે ? એ પણ એટલું જ જરૂરી છે.વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલ અશોકભાઈ શાહે જણાવ્યું છે કે હવે સરકારનાં નિયમોમા ધાનેરા ખરું ઉતરે છે કે કેમ ? અને જો જીઆઇડીસી બની જાય તો ધાનેરાની કાયાપલટ થઇ શકે તેમ છે.