ડીસામાં પાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવાની કામગીરીથી શહેરીજનોને હાશકારો
રખડતા પશુ પકડવાની કામગીરી નિરંતર ચાલુ રાખવાની માંગ: ડીસા શહેરમાં માથાના દુખાવા સમાન બનેલ રખડતા ઢોરોની સમસ્યાનો અંત લાવવા નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો આરંભ કરાતા લોકોમાં હાશકારો અનુભવાઈ રહ્યો છે તેમજ પાલિકાની આ કામગીરી સદંતર ચાલતી રહે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાને લઇને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યાં નજર કરો ત્યાં રખડતાં પશુઓ નજરે પડી રહ્યા છે. રખડતા ઢોરોના કારણે અનેક અકસ્માતોમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.
ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા શહેરોમાં રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હોવા છતાં પાલિકા દ્વારા માત્ર થોડા સમય માટે રખડતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાય છે અને બાદમાં બંઘ કરી દેવામાં આવે છે. જેથી રખડતાં પશુઓને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝનો અને નાના બાળકોને ઘરોની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ફરીથી રખડતા ઢોરો પકડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે .પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા શહેરજનોના હિતમાં પાલિકા કચેરી ખાતે રખડતાં પશુઓને પકડવા માટે ટેન્ડર બહાર પાડી રાત્રી દરમિયાન રાણપુર રોડ પર રખડતાં પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Tags animals City Disa Municipality