
ડીસામાં સંસ્કાર કેન્દ્રના બાળકોએ કપડાંની થેલીઓ આપી સ્વચ્છ ભારત બનાવવા લોકોને અપીલ કરી
આજે સમગ્ર દેશમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત સંસ્કાર કેન્દ્રો અને શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી થઈ હતી. ભારત દેશને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ભારત બનાવવા માટે બાળકોએ 600 જેટલી કપડાની થેલીઓ નું વિતરણ કર્યું હતું અને લોકોને સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની મુહીમમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
તે સાથે જ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે પણ બાળકોએ લોકોને સમજાવ્યા હતા અને આજથી જ પ્લાસ્ટિક નહીં વાપરવા માટે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આમ આ સંસ્કાર કેન્દ્રના બાળકોએ પ્રજાસત્તાક પર્વના દિવસે સ્વચ્છતાના પાઠ ભણાવી અનોખી રીતે ઉજવણી કરી હતી.