
ધાનેરા અને થરાદમાં 200 તળાવો નર્મદાના નિરથી ભરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ધાનેરા અને થરાદમાં 200થી વધુ તળાવ નર્મદાના નિરથી ભરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ ધાનેરા અને થરાદમાં ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને વધાવ્યો છે. થરાદ અને ધાનેરામાં 200થી વધુ તળાવ નર્મદાના પાણીથી ભરવાના મુખ્યમંત્રીના નિર્ણયને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનેરામાં સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા સહિત આગેવાનોએ ફટાકડા ફોડી મો મીઠું કરી નિર્ણયને આવકાર્યો હતો. 200 થી વધુ તળાવ નર્મદાના જળથી ભરવાનાને હિતલક્ષી નિર્ણયને લઈને બંને તાલુકામાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સુકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બંને તાલુકામાં ઉદ્ધવહન પાઇપલાઇનનું આયોજન કરી સિંચાઈથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભજળ ઊંચા લાવવા ખેડૂતો માટે હિતકારી અભિગમ અપનાવ્યો છે. બે તાલુકામાં કોઈ મોટી સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેના કારણે થરાદ તાલુકાના ઉપરના વિસ્તારો સિંચાઈવીહોના છે તો ધાનેરામાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીના નિર્ણયને બંને તાલુકાના ભાજપના આગેવાનો અને ખેડૂતોએ ફટાકડા ફોડી મોં મીઠું કરીને વધાવ્યો છે.
ભૂગર્ભજળની સમસ્યાને લઈને 61 કિમી લાંબી મુખ્ય પાઇપલાઇન અને 135 કિલોમીટર લાંબી પેટા લાઈન દ્વારા ત્રણ પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં 1411 કરોડ રૂપિયાની રકમ માટે સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જે નિર્ણયને તાલુકાની જનતાએ પણ વધાવ્યો છે જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું કે, આજે મારા મત વિસ્તાર ધાનેરા માટે ખુબ આનંદ અને હર્ષ લાગણી સભર દિવસ છે સમગ્ર બનાસકાંઠામાં સૌથી વધું સિંચાઈ માટેના પાણીની સમસ્યા હોઈ તો મારાં મત વિસ્તારની હતી. ચૂંટણી લડ્યો હતો ત્યારથી માડીને લોકોની એક જ માંગ હતી કે, બાકી કશું નહીં આપો તો ચાલશે પણ અમને અમારા વિસ્તારની અંદર પશુપાલકો અને ખેડૂતો માટે જે પાણી જોઈએ છે તે આપો. ત્યારે હું આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાથે સાથે આપણા અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર માનીશ કે જે પાણીદાર નેતા જેમના યથાગ પ્રયત્નો થકી આ વિસ્તાર માટે 1411 કરોડની રકમની સિદ્ધાંતિક મંજૂરી પાઇપ લાઈન માટે આપી છે ત્યારે હું સમગ્ર પાર્ટી અને સરકારનો અને મંત્રી કુંવરજી બાવળીયાનો આભાર માનીશ.