
જિલ્લામાં મીટનું વેચાણ કરતા ૯૬ ઈસમો સામે કેસ કરાયા
જિલ્લામાં મીટનું વેચાણ કરતા ૯૬ ઈસમો સામે કેસ કરાયા છે. બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્રારા હાઇકોર્ટના આદેશને પગલે બિન અધિકૃત માંસ-મટન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જિલ્લામા ગેરકાયદેસર માંસાહાર નું વેચાણ કરતા ૯૬ દુકાનદારો વિરુદ્ધ અધિક નિવાસી કલેકટરની કચેરીમાં કેસ દાખલ કરવામાં આવતા મીટનું વેચાણ કરતા ઇસમોમાં દોડધામ મચી જવા પામી છે. પાલનપુરમાં ૨૭, ડીસામાં ૨૨ અને વડગામમાં ૧૧ વેપારી સામે કાર્યવાહી કરાઈ છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા જાહેર હિતની અરજીને લઈ રાજ્યમાં બિન અધિકુત માંસ- મટન સહિત માંસાહારનું વેચાણ કરતા ઈસમો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરતા બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્રારા હાઇકોર્ટના આદેશને લઈ જિલ્લામાં બિન અધિકૃત માંસ મટનનું વેચાણ બંધ કરાવવા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ચેકીંગ ઝૂબેશ દરમિયાન પાલનપુરમાં ૨૭, ડીસામાં ૨૨, વડગામમાં ૧૧, અમીરગઢ અને ધાનેરા માં ૧૦-૧૦ સહિત નવ તાલુકામાં ૯૬ જેટલા મીટનું વેચાણ કરતા દુકાનદારો તથા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી તેમની વિરુદ્ધ પાલનપુર અધિક નિવાસી કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈ ગેરકાયદેસર માંસાહાર નો વ્યવસાય કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે પાલનપુર, ડીસા સહિત કેટલાક ગ્રામ વિસ્તારોમાં પણ ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે. જયાં દરરોજ અસંખ્ય અબોલ પશુઓના કતલ કરી માંસ નું બજારોમાં વેચાણ કરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્રારા આવા ગેરકાયદેસર કતલખાના ચલાવતા કસાઈ ઓ સામે પણ કડક પગલા ભરવામાં આવે તેવી જીવદયા પ્રેમી ઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.