
ઊંઝા જગદીશનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ઊંઝા શહેરમાં રામબાગ સ્કૂલની સામે આવેલ જગદીશ નગર સોસાયટીમાં રહેતા હરિઓમ ગુપ્તાના ઘરે દિવાળીના સમયે ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં રોકડ રકમ તેમજ રૂપિયા ૨૯.૩૭ લાખના દાગીનાની ઘરફોડ ચોરીની ફરીયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. બાદ તપાસ કરતાં ચોરી ભાડુઆત તરીકે રહેતા વિનય ઉર્ફ વિનુ યાદવ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી ઊંઝા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીડીઆરના આધારે તપાસ કરતાં આરોપી ઉતરપ્રદેશના ફિરોજાબાદ શહેરના સેકટર એકમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું માલૂમ પડયું હતું જેથી ઊંઝા પોલીસે ફિરોજાબાદ દક્ષિણ પોલીસ અને એસઓજીની ટીમ સાથે રાખી સદર વિસ્તારમાં પહોંચી હતી જયાં આરોપીના ઘરનો દરવાજો ખખડાવતા પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. પોલીસ દ્વારા સરેન્ડર કરવાનું કહેવા છતાં નહી માની બારાબોર બંદૂકથી પાંચ જણા ફાયરીંગ કર્યું હતું. આ ઘટના બાદ આરોપી વિનુ યાદવ નાસી છૂટયો હતો જોકે પોલીસ વિનું યાદવના ઘરમાંથી તેની પત્ની અને એક સાગરીત શિવકાંત ઉર્ફે ભોપાલી તેમજ પૂજા યાદવને ઝડપી લીધી હતી પોલીસે રોકડ અને રૂપિયા દસ હજાર તેમજ આશરે ૨૫ લાખના દાગીના સહિતનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિનુ યાદવ સામે યુપીમાં આઇપીસી કલમ ૩૦૭ નો ગુનો નોંધાયો છે.
પોલીસ પર ફાયરીંગ કરાયું : પી.આઈ
ઊંઝા પી.આઈ એન.એસ.ઘેટિયાએ જણાવ્યું હતું કે, ઊંઝા ઘરફોડ ચોરી પ્રકરણમાં ભાડુઆતે ચોરી કરી હોવાનુ નકકી થયા બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી યુપીના ફિરોઝાબાદ સુહાગનગર હોવાનુ બહાર આવતા ઊંઝા પોલીસની ટીમ યુપી પોલીસની ટીમ સાથે સુહાગનગર વિસ્તારમા જતાં પોલીસ પર પાંચ રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું.