
ડીસાના માલગઢ ગામમાં એક રાતમાં ત્રણ મકાનમાં ઘરફોડ ચોરી
ડીસા પંથકમાં મોડી રાત્રે આવેલા તોફાની વાવાઝોડાનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હોવાની ઘટના સામે આવી છે.જેમાં માલગઢ ગામમાં ત્રણ મકાનોને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતના માલમત્તાની ચોરી કરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. માલગઢ ગામમાં રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા છે. જેમાં સુખદેવભાઇ દેવડાના મકાનમાં પાછળના ભાગે આવેલી બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જ્યારે વાઘાજી પઢીયારના મકાનમાં આગળનો દરવાજાનો નકુચો તોડી તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે પરિવાર ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા તો ઘરમાં તમામ માલસામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેથી ચોરી થઈ હોવાનું જણાયું હતું. ગામમાં ચોરી થઈ હોવાની માહિતી મળતા જ સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યારે આ બનાવ અંગે જાણ કરતા ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી, જ્યાં પ્રાથમિક તપાસ કરતાં બે મકાનમાંથી ચોરી થઈ હોવાનું જણાયું હતું. જ્યારે અન્ય ભરતભાઈ પઢીયારના મકાનમાં પણ તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે મકાનમાલિકની રજુઆતના આધારે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.