બકરી ઈદ નિમિત્તે BSF ગુજરાતે પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી
ગઈકાલે ઈદ ઉલ ઝુહા બકરી ઈદના અવસરે, BSFએ ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાન મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી.ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બકરી ઈદ એ મોટા ઇસ્લામિક તહેવારો પૈકી એક છે અને ભારતભરના મુસ્લિમો તેની ઉજવણી કરતા હોય છે ત્યારે સરહદ પર પણ દેશના દરેક તહેવારની જેમ આ તહેવાર નિમિતે પણ ભારતીય સુરક્ષા દળના જવાનોએ સૌજન્ય દાખવ્યું હતું. ગુજરાતમાં સિરક્રીક અને જી પિલર લાઇન પર તદઉપરાંત રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગદરા, વર્ણહાર, કેલનોર અને સોમરાર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદો પર પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી હતી. BSF અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.