નજીવી બાબતે સાળાએ બનેવીનું ઢીમ ઢાળી દીધું: 3 આરોપીઓ ઝડપાયા
કુંભારડીમાં એક મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના કુંભારડી ગામે એક મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. નજીવી બાબતે મૃતકના સાળાએ જ અન્ય બે શખ્સો સાથે મળી બનેવીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, એક મહિનાની જહમત બાદ પોલીસે ત્રણ આરોપીને ઝડપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગત 11 જુલાઈ 2024 ના રોજ સૂઇગામનાં કુંભારડી ગામથી સણવાલ ગામ જવાનાં રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે. ત્યાં એક અજાણ્યા પુરુષની લાશ મળતા માવસરી પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિ એ અકસ્માતને લઈને તપાસ હાથ ધરાઈ હતી. જોકે સમગ્ર મામલે હત્યાની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સી ઇન્ટ્રોગેશનની મદદથી ઘણા દિવસની જહેમત બાદ હત્યા થઈ હોવાનું સામે આવતા આ હત્યા નો ભેદ ઉકેલાયો હતો.
સૂઇગામનાં આજાવાડા ગામના જીવાજી રામચંદ્ર ઠાકોર નું મૃત્યુ નીપજાવનાર ખુદ તેમના સાળા ભુપતજી રણછોડજી ઠાકોર અને અન્ય બે આરોપી મુકેશ ઠાકોર અને નરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ત્રણે આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.