ખેડૂતો માટે માઠા સમાચાર : જિલ્લામાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગરમીનું પ્રમાણ વધ્યું
આગામી ૧૧ એપ્રિલથી વાતાવરણમાં ફરી મોટો પલટો આવશે, શનિવારે તાપમાન નો પારો 4.4 ડિગ્રી વધતા દિવસ ભર લોકો ગરમીમાં શેકાયા બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આગામી ૧૧ અને ૧૨ એપ્રિલે માવઠાની હવામાન વિભાગે આગાહી કરતાં ખેડૂતો માટે માઠા સમાચાર સાથે શનિવારે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતા ફરી એકવાર લોકો ગરમીમાં શેકાયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા ચાર દિવસથી ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે પરંતુ શનિવારે આકાશમાંથી આંશિક વાદળો હટતા ફરી એકવાર જિલ્લામાં ગરમીનો માહોલ જામ્યો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં આગામી 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ગયા વર્ષે પણ ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે આ વર્ષે પણ અત્યારથી જ પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી હોય તેમ માવઠાં થાય તેવું વાતાવરણ બની રહ્યુ છે.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. છેલ્લા ચાર દિવસથી આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ગોરંભાયા છે અને મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને આંબી ગયુ હતુ તે ઘટીને ૩૩ ડિગ્રીની આસપાસ નોંધાય હતું જેના કારણે ભર ઉનાળે ૬ થી ૭ ડિગ્રી તાપમાન ગગડયુ હતું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એકવાર શનિવારના સવારથી જ તાપમાનમાં વધારો નોંધાતા એક જ દિવસમાં ૪.૩ ડિગ્રીના વધારા સાથે તાપમાન ૩૭.૨ ડિગ્રી નોંધાયો હતો જેના કારણે ફરી એકવાર લોકોને આકરી ગરમીનો અહેસાસ થયો હતો પરંતુ ૧૦ એપ્રિલથી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને ૧૧ અને ૧૨’એપ્રિલે,બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ માવઠાંનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે: હવામાન નિષ્ણાતોના મતે ૧૩ થી ૧૬ એપ્રિલ સુધીમાં પણ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ – સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. હાલ ઉનાળુ – ખેતી કરવામાં આવી છે. જો કે કેટલાક ખેડૂતોતો તૈયાર પાક પણ ખેતરોમાં પડ્યો છે. આવા સમયે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. બીજી તરફ પવન ફૂંકાવા સાથે વરસાદ થાય તો બાગાયતી પાકો અને કેરીના પાકને પણ મોટુ નુકસાન થવાનો ભય રહેલો છે. ૧૦ એપિલથી મધ્ય ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે અને બાદમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની આશંકા રહેલી છે.
આગામી ૧૬ એપ્રિલ સુધી વાતાવરણ માં ફેરફાર જોવા મળશે: આગામી ૧૧ અને ૧૨ એપ્રિલે છૂટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ૧૩ થી ૧૬ એપ્રિલ સુધી વાતાવરણ વધુ અસ્થિર બની શકે છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની મોટાભાગના હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. મધ્ય ગુજરાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે અને ધીમે-ધીમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તે અસર કરશે તેવું મનાઈ રહ્યું છે.
એપ્રિલના અંતમાં હીટવેવની અસર રહેવાની શક્યતાઓ: એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આ વર્ષે ઉનાળામાં હીટવેવના દિવસો વધુ રહેવાની પણ શક્યતાઓ છે. એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રીની આસપાસ પહોંચી જવાની પણ શક્યતાઓ છે. જ્યારે મે મહિનામાં પણ કાળઝાળ ગરમી પડી શકે છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ રહ્યો હોય ગરમીનું પ્રમાણ ખુબ ઓછુ રહ્યું હતું.