ડીસા પાલિકાના બોર ઓપરેટરનું હૃદયરોગના હુમલાથી મોત થયું
ડીસા નગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કીર્તિકુમાર સોલંકીનું આજે એસસીડબ્લ્યૂ સ્કૂલ ખાતે બોર ચાલુ કરવા જતાં અચાનક હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે પાલિકા પ્રમુખ સહિત લોકો દોડી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી હૃદય રોગના હુમલાથી અનેક લોકો મોતને નિપજ્યા છે. ત્યારે આજરોજ ડીસા ખાતે પણ એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. ડીસા નગરપાલિકા ખાતે છેલ્લા ૨૭ વર્ષથી બોર ઓપરેટર તરીકે કીર્તિકુમાર સોલંકી ફરજ બજાવતા હતા જેઓ રાબેતા મુજબ આજે એસસીડબલ્યુ સ્કૂલ ખાતે પોતાની ફરજ પર હતા તે સમયે પાણીનો બોર ચાલુ કરવા માટે ગયા હતા તે સમયે અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. હૃદય રોગનો હુમલો થતા તેઓ જમીન પર પડ્યા હતા તે દરમિયાન આજુબાજુના લોકો જાેઈ જતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તેમને તાત્કાલિક સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત પાલિકા સદસ્યો અને સ્થાનિક લોકો પહોંચ્યા હતા. ૨૭ વર્ષથી બોર્ડ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કીર્તિકુમાર સોલંકીનું મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.