લાખણી માર્કેટયાર્ડમાં ભાજપની પેનલ જીતી : ખેડૂત વિભાગમાં ભાજપના 8 અને કોંગ્રેસના 2 ઉમેદવાર વિજેતા જાહેર
(અહેવાલ : દેવજી રાજપૂત,પ્રતાપ પરમાર)
બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડની ચૂંટણીના મંગળવારે મતદાન બાદ ઉત્તેજના ભર્યા માહોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપની પેનલ વિજેતા બની હતી.વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા.
લાખણી માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠક માટે 21 ઉમેદવાર અને વેપારી વિભાગની 4 બેઠક માટે 6 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો. બાદમાં મંગળવારે માર્કેટયાર્ડમાં મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 1958 ખેડૂત મતદારો પૈકી 1940 ખેડૂત મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો આ ઉપરાંત 25 વેપારી મતદારો પૈકી તમામ 25 વેપારી મતદારોએ મતદાન કર્યું હતું. આમ 99 ટકા મતદાન થયું હતું.
જેની બુધવારે મત ગણતરી હાથ ધરવામાં આવતા ખેડૂત વિભાગમાં ભાજપના રબારી નારણભાઈ નાગજીભાઈ, રબારી લીલાભાઈ દાનાભાઈ, ચેલાણા સંજયભાઈ મોતીભાઈ, રબારી પાંચાભાઈ માધાભાઈ, પરમાર દેવજીભાઈ નાથુભાઈ, રબારી પનાભાઈ કાળુંભાઈ, પટેલ દલાભાઈ પુનમાજી અને પટેલ નાનજીભાઈ તેજાજી તેમજ કોંગ્રેસના ચરકટા ઢેગાભાઈ કરશનભાઇ અને દેસાઈ માલાભાઈ નારણભાઈ વિજેતા જાહેર થયા હતા.
જ્યારે વેપારી વિભાગમાં : પટેલ મદરૂપભાઈ હંસાજી 23 મત, પટેલ મદરૂપભાઈ ઉકાજી 20 મત, પટેલ હરિભાઈ કાળાભાઈ 20 મત અને માળી ત્રિકમાભાઈ નવાજી 20 મત મળતા વિજેતા જાહેર થયા હતા.જ્યારે રબારી ઈશ્વરભાઈ વાહજીભાઈ 8 મત અને દરજી ધીરજભાઈ પ્રતાપભાઈને 5 મત મળતા પરાજય થયો હતો.વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવી જીતની ખુશાલી મનાવી હતી.