પાંથાવાડા કુચાવાડા હાઈવે પર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત
પાંથાવાડા કુચાવાડા હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં સમગ્ર ગામમા અરેરાટી વ્યાપી જવા પામી છે. મળતી માહિતી મુજબ પાંથાવાડાના સુજાભાઈ જીવાભાઈ રબારી રહે.પાંથાવાડા તા.દાંતીવાડા ઉ. વ. આશરે ૩૫ વર્ષ કે જેઓ ઘણા સમયથી ખાનગી ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હતા. ગુરુવારે બપોરે ૧૨ વાગ્યા આસપાસ ના સમયે પોતાનાં મિત્ર ને ત્યા લગ્ન પ્રસંગ મા વિઠોદર જવા બાઇક લઇને જવા નીકળ્યાં હતા પરંતું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે પ્રમાણે એસ.એસ.સાયન્સ સ્કુલ નજીક કુચાવાડા હાઈવે તરફ઼થી ધસમસતા આવતા ટ્રેલર ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાતાં બાઇક ચાલક ટ્રેલરના ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને બાઈક ચાલકના મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે પાંથાવાડા પોલિસે અકસ્માતે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત ની જાણ વાયુ વેગે પ્રસરતાં સમગ્ર ગામમા અરેરાટી પ્રસરી જવા પામી હતી. ગુંદરીથી કંસારી જતો હાઈવે રોડ રણજીત ટોલ રોડ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવી ટોલ ટેક્સ વસુલાત કરવામાં આવે છે પરંતું સુવિધા ના અભાવે આ રોડ પર અનેક અકસ્માતો સર્જાય છે.