પાલનપુર બાયપાસ સામે આંદોલનના ભણકારા: અસરગ્રસ્ત 16 ગામોના ખેડૂતોની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

માંગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી,પાલનપુરના ધારાસભ્યનો હકારાત્મક અભિગમ: ખેડૂતોની વાત સરકાર સમક્ષ પહોંચાડશે: જિલ્લા મુખ્યાલય પાલનપુરની ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને મંજુર થયેલા બાયપાસ સામેનો વિવાદ વકરતો જાય છે. ત્યારે આજે ખોડલા ગામમાં અસરગ્રસ્ત 16 ગામના ખેડૂતોએ બેઠક યોજી આંદોલનની રણનીતિ ઘડી કાઢી હતી. જોકે, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ઉપસ્થિત રહી હકારાત્મક અભિગમ દાખવતા ખેડૂતોની સમસ્યા સરકાર સમક્ષ પહોંચાડવાની ખાત્રી આપી હતી.

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતાં કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતા સરકાર દ્વારા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજુર કરી તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતાં અનેક ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા તેમજ તેમના પાણીના બોર જતા રહેતા તેમજ જમીન સંપાદનનું વળતર બજાર ભાવ પ્રમાણે ન મળતાં ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે.

લાંબા સમય થી ખેડૂતો પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે. ખેડુતોનું કહેવું છે કે, બાયપાસ રોડ સામે કોઈ વિરોધ નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ જગ્યા એ 100 મીટર તો કોઈ જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે. જોકે તંત્ર દ્વારા ખેડૂતોની 100 મીટર જમીન લઈ લેવાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે. જેથી સોનગઢથી જગાણા સુધી એક સરખો 100 ફૂટજ બાયપાસ બનાવવામાં આવે. તેમજ આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જ જમીન આપવામાં આવે તેમજ બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવી આપે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહિ પરંતુ બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

જોકે ખેડૂતોની માંગો ન સ્વીકારતા આજે પાલનપુર તાલુકાના અસરગ્રસ્ત ખોડલા ગામમાં 16 ગામોના ખેડૂતો એકત્રિત થયા હતા. જેઓએ બાયપાસને લઈને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. અને આગામી સમયમાં ખેડૂતોના હકો માટે અને તેમની માંગો સ્વીકારાય તે માટે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડી હતી. જેમાં તમામ ગામોના ખેડૂતો સાથ આપે તે માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

ધારાસભ્યનો હકારાત્મક અભિગમ: આજે ખોડલા ગામમાં અસરગ્રસ્ત 16 ગામના ખેડૂતોની આંદોલનની રણનીતિ ઘડી કાઢવા બેઠક યોજાઇ હતી. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ખેડૂતોની રજૂઆતો સાંભળી તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.  તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ સમસ્યાના ઉકેલ માટે સંવાદ થવો જરૂરી છે. ત્યારે હું ખેડૂતો સાથે સંવાદ કરવા આવ્યો હતો. જેમાં ખેડૂતોનો બાયપાસ સામે વિરોધ નથી. પરંતુ બાયપાસને લઈને જે માંગણીઓ છે તે અંગે સરકારનું ધ્યાન દોરી શક્યત્વરાએ તેનો હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં તેઓ પ્રયત્નશીલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

15 ઓગસ્ટથી ખેડૂતો આંદોલનનું રણશિંગુ ફૂંકશે: જોકે, આજની બેઠકમાં ખેડૂતોને આંદોલન માટેની રણનીતિ ઘડી હતી. જેમાં સરકારના પ્રતિનિધિ તરીકે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે હકારાત્મક અભિગમ દાખવતા ખેડૂતોએ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે સરકારને 10 દિવસનો સમય આપ્યો હતો. જોકે, સરકાર દ્વારા 10 દિવસમાં ખેડૂતોની માંગો સ્વીકારવામાં નહિ આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો પરિવાર સાથે આંદોલનનું રણશિંગુ ફૂંકશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.