ડીસાના ઝેરડા જૈન સંઘમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણ વાંચન દિવસની ઉજવણી
પર્યુષણ મહાપર્વમાં ભાદરવા સુદ એકમનો દિવસ એટલે કે પરમાત્મા મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસનું વિશેષ મહત્વ જૈન ધર્મમાં હોવાથી ગઈકાલે ડીસાના શ્રી ઝેરડા મૂર્તિપૂજક જૈન સંઘમાં દિવસભર ધામધુમથી મહાવીર સ્વામી જન્મ વાંચનની ઉજવણી કરાઈ.જૈન ધર્મનું મહાપર્વ એવું પર્યુષણ ચાલી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ જીનાલયો અને ઉપાશ્રયોમાં પણ વ્યાખ્યાન, વાણી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં જૈનલોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. પર્યુષણ પર્વ દરમ્યાન જીનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે દિવસભર દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસાના ઝેરડા ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન દેરાસર ખાતે આઠ દિવસીય પરવાજીરાજ પર્વ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આઠ દિવસીય જૈન સમાજનો મોટો ધર્મગ્રંથ કલ્પસુત્રનું વાંચન, ભગવાન મહાવીર જન્મ કલ્યાણ વાંચન સાથે વધામણા કરવામાં આવ્યા હતા. જેમાં પારણાંજી ઘરે લઈ જવાનો લાભ તેજરાજ ભેમાજી ધોકા પરીવારને મળ્યો હતો. સકળ સંઘ પારણાજી સાથે વાજતે ગાજતે તેઓના ઘરે લઈ પ્રભુ ભક્તિનો અદભુત માહોલ જામ્યો રાત્રિ જગો પણ ઉત્સાહપૂર્વક કરતા પ્રભુમય માહોલ બન્યો હતો.