ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ વિશેષ શ્રી ૫૧ શકિતપીઠ :- અંબાજી યાત્રાધામનું અનોખું આકર્ષણ

બનાસકાંઠા
બનાસકાંઠા

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શનનો લહાવો: પદયાત્રા અને પરિક્રમાનો દિવ્ય સંગમ

શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દૂર સુદૂર થી આવતા માઇભકતોએ પોતાની યાત્રાનો પ્રારંભ કરી દિધો છે. ત્યારે અંબાજી શકિતપીઠ ખાતે ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિની એક પરિક્રમા થાય એવા હેતુસર બનાવાયેલ ૫૧ શકિતપીઠ અંબાજી યાત્રાધામનું આગવું આકર્ષણ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઇભકતો મેળા સાથે ૫૧ શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવશે.

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે ૨.૮ કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૬૨ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ ૫૧ શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.

અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ-૨૦૦૮ માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં ૫૧ શકિતપીઠ પ્રોજેકટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૪ માં તા. ૧૨,૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ૫૧ શકિતપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. વર્ષે- ૨૦૨૨ માં પ્રથમવાર તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ દરમિયાન ૫૧ શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ ૫૧ શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને ૫૧ શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે. માઈભક્તો પરીવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠનાં મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે. ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂનમના મેળામાં આદ્યશકિત અંબા સાથે આદ્ય શક્તિના અન્ય ૫૧ શકિત સ્વરૂપના દર્શન અને પરિક્રમાનો લહાવો લઈ માઇભકતો ધન્યતાનો અનુભવ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.