
થરાદમાં જમીન કે પ્લોટ ખરીદતાં પહેલાં ચેતજાે : ડબલ દસ્તાવેજની ગેમ
થરાદમાં જમીન લે વેચ અને દસ્તાવેજનું કામ કરતા એક શખસે એક જ સર્વે નંબરના એક જ નંબરના પ્લોટ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી બે વ્યક્તિઓને વેચાણ કર્યો હતો.તેમની પાસેથી પણ બે વખત વેચાણ થઇ ગયું હતું. અને ત્રણ ત્રણ વાર સરકારી દફતરે પણ ચડવા પામ્યો હતો.મુળ ખરિદનારે આ અંગે જીલ્લા સ્તરની સમિતીમાં અરજી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.સરહદી પંથકના જમીન બજારમાં ભારે હલચલ મચવા પામી છે.
ભલાભાઇ રાજાભાઇ (રાઠોડ) રાજપુત રહે.ચીભડા કેશરપુરા તા.દિયોદરએ થરાદ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે થરાદના નરેશભાઇ જયંતીલાલ દેસાઇ (જૈન) રહે.દેસાઇ શેરી થરાદ પાસેથી થરાદ ધાનેરા રોડ ભારતમાલા રોડ પાસેના સર્વેનંબર ૧૮૩ પૈકી ૧ જમીનમાં કરેલ રહેણાંકના પ્લોટ નંબર ૨૨૮ રૂ ૧૨૦૦૦માં વેચાણ રાખતાં નરેશભાઇએ પાવરઓફ એટર્નીથી રજીસ્ટર કચેરીમાં સાક્ષીઓની ઉપસ્થિતીમાં દસ્તાવેજ કરાવી આપતાં તેમણે તેને ૨૦૧૨માં કસબા અને ૨૦૧૮માં થરાદ નગરપાલિકામાં ચડાવ્યો હતો.ત્યારબાદ તેને વેચાણ માટે કાઢવા સર્ચ સ્લીપ કઢાવતાં તેમના આ પ્લોટને નરેશભાઇ દેસાઇએ ૧૪/૦૬/૨૦૧૭માં બીજો ખોટો દસ્તાવેજ બનાવીને હસમુખલાલ મફતલાલ વોહેરા (શાહ) રહે.ભલાસરા તા.થરાદ હાલ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ મેઘાણીનગર થરાદને વેચાણ કરીને તેના દસ્તાવેજની પણ નોંધણી રજીસ્ટાર કચેરી થરાદમાં કરાવી હતી.આ અંગે તેમણે નરેશભાઇને મળીને વાત કરતાં કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.આથી હસમુખભાઇ વોહેરા સાથે વાત કરતાં તેમણે પણ આ જ પ્લોટ ૨૦૧૨માં લીધેલ હોવાનું અને તેનો દસ્તાવેજ હોવાનું અને રેવન્યુ રેકર્ડમાં પોતાના નામે હોવાનું અને મુળ માલિક હોવાનું જણાવ્યું હતું.જો કે હસમુખભાઇએ કાર્યવાહી કરવાની ના પાડી હતી. અને ઉપરોક્ત સર્વેનંબરના પ્લોટ નંબર ૨૨૮,૨૨૯,૨૩૧,૨૩૨,૨૩૩ હસમુખભાઇએ તેમના પાસેના દસ્તાવેજના આધારે નરેશભાઇ દાંનાભાઇ પટેલ રહે.રામપુરા તા.થરાદને વેચાણ કરી દિધા હતા.આથી ફરિથી સર્ચ સ્લીપ કઢાવતાં સાક્ષીમાં આકાશ હસમુખભાઇ વોહેરા અને સંગીતાબેન હસમુખભાઇ વોહેરા તથા લેનાર નરેશભાઇના નામ હતાં. આથી નરેશભાઇ સાથે વાત કરતાં તેમણે પણ પોતાનો પ્લોટ છે અને નગરપાલિકામાં ચડેલ છે તો તમે કેવી રીતે ખરીદેલ તેવી વાત કરી હતી.જો કે ત્યારબાદ દાંનાભાઇએ તે પ્લોટ ગજાભાઇ તળસાભાઇ ચૌધરી રહે.સણધર તા.થરાદને વેચી દીધેલ હોવાનું જણાવ્યું હતું.આખરે આ અંગે ભલાભાઇએ જીલ્લા કલેકટરની તકેદારી સમિતીમાં અરજી કરતાં સમિતીની બેઠકમાં જવાબદારો સામે પોલીસ ફરિયાદનો ર્નિણય કરવામાં આવતાં નરેશકુમાર દેસાઇ સામે ડબલ દસ્તાવેજની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરવા બદલ નરેશભાઇ સામે આઇપીસી કલમ ૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.