
બનાસકાંઠામાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થશે
(રખેવાળ ન્યૂઝ)ડીસા, શિયાળાના ઉત્તરાધે પર્વતીય પ્રદેશોમાં થયેલી બરફ વર્ષાના પગલે બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક ભાગોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સના તળે બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પવન ફુકાવાનું શરૂ થતા ઠંડીનું જોર વધ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસ સુધી સતત તાપમાનમાં થયેલા ફેરફારને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. જેને લઇ આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેલી છે. જેના કારણે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ ૧૦ ડિગ્રી નીચે તાપમાન જવાની શક્યતા સાથે ગાત્રો થીજાવતી ઠંડી પડવાની પણ આગાહી રહેલી છે. રવિવારે ડીસા નું લધુત્તમ તાપમાન માં ધટાડો નોંધાયો છે. જે આગામી સમયમાં હજુ પણ ધટાડો નોંધાશે. જેથી ફરીએકવાર કડકડતી ઠંડી પડી શકે છે. જેની અસર થી જનજીવન પણ પ્રભાવિત થવાની શક્યતાઓ રહેલી છે.
ડીસામાં ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટશે ઃ હવામાન વિભાગ
આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારી કે.ડી. રબારીએ જણાવ્યું હતું કે સોમવારથી ડીસામાં લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે ફરી એકવાર સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળશે.
ડીસા પંથકમાં ૧૧ કિ.મી.ની ઝડપે પવનો ફુંકાયા
હવામાન વિભાગની આગાહી મુજબ પવન ફૂંકાતા ડીસા પંથકમાં પણ ૧૧ કિ.મી.ના ઝડપે શિયાળુ પવન ફૂંકાતા ઠંડીની અસર જોવા મળી રહી છે. તેની સાથે ડીસાનું મહત્તમ તાપમાન પણ ૩.૨ ડીગ્રી ઘટયુ અને લઘુતમ તાપમાન પણ ૧ ડિગ્રી જેટલો ધટાડો થતા ઠંડી નો ચમકારો આવ્યો છે.
પ્રમાણસર ઠંડી પડે તો પાછોતરા ખેતીના પાકોને ફાયદો થવાની શક્યતાઓ ઃ ખેડૂતો
શિયાળાની ઋતુનો ઠંડીનો દોર લંબાતા હવામાન વિભાગે ફરીએકવાર ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે ત્યારે જો પ્રમાણસર ઠંડી પડે તો પાછોતરા થયેલા ખેતીના વાવેતર ને ફાયદો થવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે ઠંડીનું પ્રમાણ રહેતા મોલો મચ્છી જીવાતનું પ્રમાણ પણ આ વર્ષ ઓછું જોવા મળી રહ્યું છે.