મુંબઈના ડ્રગ્સ માફિયાઓ માટે બનાસકાંઠાનો રસ્તો સ્વર્ગ સમાન!

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-ધાનેરા હાઈવે પર કંસારી ટોલનાકા પાસેથી ડીસા રૂરલ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી મુંબઈથી રાજસ્થાન લઈ જવાતું ૧૧૭ ગ્રામ જેટલું મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા ૧૧ લાખથી વધુના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ૨૯૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જે બાદ ફરી એકવાર ડીસા નજીક ડ્રગ્સ ઝડપાતા ડ્રગ્સના કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કંસારી ગામ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કંસારી ટોલનાકા તરફથી આવતી એક સફેદ કલરની આઈ-૧૦ કારને રોકવા પ્રયત્ન કરતા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારી ભાગી છુટ્યો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ટેટોડા ગૌશાળા પાસે આવતા કારનું આગળનું ટાયર ફાટી જતા અંદર બેઠેલા શખ્સો કાર મૂકી ભાગી ગયા હતાં.કાર મૂકીને ભાગવા જતાં પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતાં અને તેમની પુછપરછ કરતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસ કર્મચારીઓ ઝડપાયેલા શખ્સોને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરી હતી. પોલીસની કડક પુછપરછમાં આરોપીઓએ ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચોક્સાઇથી ગાડીમાં ચેક કરતાં તેમાં સંતાડેલો ૧૧૭.૫૭૦ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા ૧૧ લાખ ૭૫ હજાર ૭૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ અને ગાડી સહિત રૂપિયા ૧૫ લાખ ૧૧ હજાર ૭૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સનો કાચો માલ મુંબઈથી રાજસ્થાન
લઈ જવાતો હોવાની પોલીસને આશંકા ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી અવારનવાર મોટાપાયે વિદેશી દારૂ તથા ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરીના બનાવ સામે આવતા હોય છે. ઉપરોક્ત કેસની પ્રાથમિક તપાસ દરમિયાન
પોલીસને જાણવા મળ્યું હતું કે આ મેફેડ્રોન ડ્રગ્સનું રો-મટિરિયલ (કાચો માલ) હતું અને તેને મુંબઈથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યું હતું. આ  રો-મટિરિયલમાંથી ડ્રગ્સ તૈયાર કરવા માટે રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યું હોવાની પણ વિગતો સામે આવી રહી છે.

એક માસના ટૂંકા ગાળામાં બીજીવાર ડ્રગ્સ ઝડપાયું | ડીસામાં એક માસના ટૂંકા ગાળામાં બીજી વાર ડ્રગ્સ ઝડપાઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં વીસેક દિવસ અગાઉ ડીસા હાઇવે સ્થિત હિંગળાજ સોસાયટી ખાતેથી સુભમ કનૈયાલાલ પટેલને સાતેક લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડયા બાદ સોમવારે ફરી કંસારી નજીક ૧૧ લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝપડાઈ જવા પામ્યો છે. સરહદી બનાસકાંઠા જીલ્લામાં વિદેશી દારૂ સાથે હવે ડ્રગ્સની હેરા ફેરી કરતા તત્વો સક્રિય બની રહ્યા છે.

ડીસામાં ખાનગી રીતે ડ્રગ્સનું વેચાણ | ડીસામાં અગાઉ પણ કોલેજ કેમ્પસ નજીકના ગ્રાઉન્ડ નજીક કેટલાક યુવાનો ડ્રગ્સનું વેચાણ કરતા હોવાના અહેવાલો એક ખાનગી ચેનલે અગાઉ પ્રસારીત કર્યા હતા અને ડીસાના ગવાડી વિસ્તારમાં કોઈ ચાચી નામની મહિલા પણ ખાનગી રીતે ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની ચર્ચા એ પણ સમગ્ર શહેરમાં જાેર પકડ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.