ઝેર મુક્ત ખેતી અપનાવવા તરફ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર
પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધી રહી છે
આત્મા પ્રોજેકટ અંતર્ગત ૩૫૧૬ તાલીમો થકી જિલ્લાના ૮૩૪૪૨ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરાયા
જીલ્લામાં કૃષિ સખી અને પશુ સખીની કુલ ૧૧૯૮ મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ
સરહદી જિલ્લા બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતીના પ્રસાર પ્રચાર અને વ્યાપ વધે એ માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેર મુક્ત અનાજ ઉત્પન્ન કરે એ માટે તાલીમ કાર્યક્રમો થકી ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે. જેના પગલે આજે જિલ્લાના સરહદી વિસ્તાર સૂઇગામ થી માંડી પાલનપુર ડીસા જેવા શહેરી વિસ્તાર સુધીના ખેડૂતો પ્રાકૃતિક ખેતિ કરવા પ્રેરાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અભિગમ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકો આકર્ષાયા છે અને ગાય આધારિત ખેતી કરવા માટે સંકલ્પબદ્ધ બની રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા ૧૯૬ કલસ્ટર બનાવવામા આવેલ છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ અંતર્ગત જીલ્લામાં ૫૮ તાલીમો કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતીગાર કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ચળવળ ચાલી રહી છે. જેના ભાગરૂપે ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૩૮૬૮ જેટલી તાલીમો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ૩૫૧૬ તાલીમો કરવામાં આવેલ છે અને બાકી રહેતી કલસ્ટર ની તાલીમો ચાલુ અઠવાડિયા પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. આ તાલીમો થકી જિલ્લાના ૮૩૪૪૨ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવેલ છે.
વધુમાં આત્મા પ્રોજેક્ટ બનાસકાંઠા દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત બનાસકાંઠા જીલ્લા તમામ તાલુકાઓમાં ૫૮ થી વધુ જીલ્લા અંદર તાલીમો કરવામાં આવેલ છે. જેમાં ૭૦૧૮થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી આપવામાં આવેલ છે અને જિલ્લામાં અને તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ૧૯૫ ક્લસ્ટર કાર્યરત છે અને વધુ ૧૯૫ ક્લસ્ટર કાર્યરત થવાથી પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધશે.
જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત જેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર છે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આ સાથે ખેતીવાડી વિભાગ સાથે જોડાયેલા ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર, આસિસ્ટંટ ટેકનોલોજી મેનેજર, બાગાયત મદદનીશ, ખેતી મદદનીશ પણ પ્રાકૃતિક કૃષિ અંગેનું ટેકનિકલ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે.