ડીસા – પાલનપુર હાઇવે ઉપર વાહન ચાલકોને બચાવવા ઓથોરિટીએ બેરીકેટ મુક્યા
10 મહીના અગાઉ ઢોળાયેલા ઓઈલના કારણે હજુ પણ વાહનો લપસે છે.
ડીસા -પાલનપુર નેશનલ હાઇવે પર 10 મહિના પહેલા ઢોળાયેલા ઓઇલની ચીકાશ હજુ પણ વરસાદી માહોલમાં રોડ પર છવાઈ જતી હોવાથી વાહનો લપસીને અકસ્માત થતો હોવાથી વાહન ચાલકોને બચાવવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા છે.
ડીસા -પાલનપુર હાઇવે પર પાલનપુરથી ડીસા તરફ જતા ચંડીસરથી રસાણા વચ્ચે માળવાપરા નજીક નેશનલ હાઇવે પર દસેક મહિના અગાઉ એક ઓઇલનું ટેન્કર લીકેજ થતા મોટા પ્રમાણમાં ઓઇલ રસ્તા પર રેલાયું હતું.
જેથી તે સમયે અનેક વાહન ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો બન્યા હતા. જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ઢોળાયેલા ઓઇલ ઉપર રેત નાખવામાં આવી હતી. જેથી રોડ અગાઉની જેમ કોરો થઈ ગયો હતો. પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે ફરીથી પાણીના કારણે આ ઢોળાયેલા ઓઇલ વાળા વિસ્તારમાં રસ્તો ફરીથી ચીકાશ વાળો બની જાય છે. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્પીડમાં હોવાથી જો બ્રેક મારવાની થાય તો ચોક્કસ લપસી જાય છે અને નાના મોટા અકસ્માત સર્જાય છે. તાજેતરમાં સતત પડેલા વરસાદથી ફરીથી આ રસ્તો અગાઉ ઢોળાયેલા ઓઇલના કારણે ચીકણો બનતા વાહન ચાલકો લપસે નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જગ્યા પર બેરીકેટ મૂકી અંદાજે 50 મીટર જેટલો રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે.