
ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર ગવાડી વિસ્તારમાં હુમલાનો પ્રયાસ
સોમવારે ડીસામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું. તે દરમિયાન ડીસાના ગવાડી વિસ્તારમાં બોગસ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાને મળતા તેઓ ગવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. જે દરમિયાન સ્થળ ઉપર એક હજારથી વધુ લોકોનું ટોળું ત્યાં એકઠું થયું હતું. અને આ ટોળાએ તેમની ગાડીને ઘેરી લીધી હતી અને દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ગાડી ઉપર પંચના નિશાન કરી ગાડી ઉથલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.જોકે તે દરમિયાન તેમની સાથેના સિક્યુરિટી ગાર્ડની સજાગતાના પગલે નજીકમાં રહેલી પોલીસ દોડી આવીને ટોળાને વિખેરતા શશીકાંતભાઈ પંડ્યાનો થયો બચાવ થયો હતો. જોકે સાંજના સુમારે હુમલાની ઘટનાને લઈ પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના શોપિંગ સેન્ટર ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.આ બનાવના પગલે પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે જો પોતે બહાર નીકળ્યા હોત તો બનાવ વધુ ભયાનક બન્યો હોત અને આ બાબતે તેમણે રેન્જ આઈજી અને જિલ્લા એસપીને પણ જાણ કરી હતી તેમજ આ મામલે કાયદેસરની કાનૂની કાર્યવાહી પણ કરશે તેમ જણાવી લોકોને કાયદો હાથમાં ન લેવા જણાવ્યું હતું. દરમ્યાન આ સમાચાર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મામલો જિલ્લાભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો.