
સરોત્રા ગામે અંદાજે ૪૧૫ વર્ષ જુની ઐતિહાસિક છત્રીઓ હજુ પણ અડીખમ
અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે અંદાજે ૪૧૫ વર્ષ અગાઉ ૧૫ મી સદીથી લઈ ૧૮ મી સદીના દાયકામાં આ ધરતી ઉપર “રોહ” નામે કચ્છવાહ ડાભી રાજપુતોનુ સ્વતંત્ર રાજ્ય હતું તેના પુરાવાના ભાગરૂપે આજે પણ અહીંના કેટલાક વિસ્તારોમાં ઐતિહાસિક સ્થાપત્ય અને તેમાં આવેલા અભિલેખો તેની ઝંખના કરાવે છે ત્યારે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે આવેલી ૨ ઐતિહાસિક છત્રીઓમા આવેલ જુના આરસ પથ્થરો પર કોતરીને સંસ્કૃત ભાષામાં અભિલેખો લખેલા જોવા મળી રહ્યા છે. જુની છત્રીઓનો ઘણો સમય વિતી જતાં પણ અત્યાર સુધીમાં અડીખમ ઉભેલી જોવા મળી, એક છત્રી અહીંના સ્થાનિક રાજા અર્જુનજીના રાજ્યકાળની છે ત્યારે એક છત્રી તેમણે વિક્રમ સવંત ૧૬૭૮ના દાયકામા રોહીની નક્ષત્રમાં પોતાની પત્નીઓ પદમાવતી અને અમરીબાઈ અને પુત્ર હરદાસજીની યાદમાં બનાવી હતી. જ્યારે બીજી છત્રી અર્જુનજીના પુત્ર હરદાસજીજએ વિક્રમ સવંત ૧૬૮૯ના દાયકામાં પોતાની પત્નીઓ જીવતીબાઈ અને રાજુભાઈ અને તેમના પુત્ર તોગજીની યાદમાં બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આજે લગભગ અંદાજે ૪૧૫ વર્ષ થઇ ચુક્યા છે છતાંય ઐતિહાસિક છત્રીઓ પોતાની ઓળખ સાચવી રાખી અડીખમ અવસ્થામાં ઉભી છે. ત્યારે આ વિસરાતી વિરાસતને સરકારી તંત્ર દ્વારા જરૂરીયાત મુજબનું સમારકામ કરાવી જાળવણીના ભાગરૂપે સાચવી લેવામા આવે તેવી લોકોએ માંગ કરી હતી.