
અંબાજી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જગતજનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.પવિત્ર આસો માસની શરદીય નવરાત્રી ચાલી રહી છે ત્યારે કરોડો લોકોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાં યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીમાં દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રીના સાતમા નોરતે આજે કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના ધર્મપત્ની સાથે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ યજ્ઞમાં આહુતિ આપી ધાર્મિક અનુષ્ઠાન નો લ્હાવો લીધો હતો.
અંબાજી ખાતે દર્શન માટે પધારેલા મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, ‘વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા’ અંતર્ગત આજે જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે, ત્યારે સ્વચ્છતા કામગીરીનું અનેક સ્થળે નિરીક્ષણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને બે મહિના સુધી લંબાવી સ્વચ્છતા સારી રીતે જળવાય એવી વ્યવસ્થા કરાઈ છે. ત્યારે આજના પવિત્ર દિવસે સાતમા નોરતે લોકોને મા અંબાના પવિત્ર ધામ થી સ્વચ્છતા રાખવા અપીલ કરું છું એમ જણાવી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.