
ધનકવાડા પંચાયતમાં તલાટી હાજર ન રહેતાં પંચાયતને તાળાબંધી કરાઈ
દિયોદર તાલુકાના ધનકવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગામના અરજદારના કામો કરતા ના હોવાના આક્ષેપ વચ્ચે મંગળવારે ગ્રામજનોએ રસ્તા વચ્ચે તલાટીને રોકી હોબાળો મચાવ્યો હતો. ત્યારે અચાનક તલાટી બેભાન થવાનું નાટક કરી નીચે પડી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ગ્રામ પંચાયતને તાળાં મારી દીધા હતા.
તાલુકાના ધનકવાડા ગ્રામ પંચાયત કચેરીમાં છેલ્લા 12 મહિનાથી એ.બી.ગુર્જર તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયત કચેરીમાં સમયસર હાજર ના રહી ગામના અરજદારની રજૂઆત સાંભળતા ના હોવાથી અને પોતાની મનમાની ચલાવતા હોવાથી ગ્રામજનોએ મંગળવારે હોબાળો મચાવી હરીપુરા પાસે તલાટીને રોકી કેમ અમારા ગામના અરજદારનું કામ કરતા નથી તેમ કહી રજૂઆત કરી હતી. ગ્રામજનોએ હોબાળો મચાવતાં તલાટી નીચે પડી ગયા હતા.
રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતને તાળા મારી દીધા હતા. આ અંગે આગેવાન રઘુભાઈ જોષીએ જણાવ્યું હતું કે પંડિત દિન દયાલ મકાન સહાય માટે ફોર્મ ભર્યું હતું. જેમાં તલાટીના સહી સિક્કાની જરૂર હોવાથી સહી માટે ગયા હતા અમને સિક્કો મારી આપેલ નહિ અને તું તારી કરી મારવા સુધી ધમકી આપી હતી અને ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. તલાટી કમ મંત્રી બેભાન થવાનું નાટક કરી નીચે પડી ગયા હતા. જો કે ગણતરી સેકંડમાં ઉભા થઈ નીકળી ગયા હતા.’