
બનાસકાંઠામાં એક વર્ષમાં ૫૨૦૨ જેટલી વિજ ચોરીના બનાવો
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના વિવિધ છ ડિવિઝન દ્વારા છેલ્લા એક વર્ષમાં વિજ ચોરીના બનાવો ઝડપી પાડવા વિવિધ સ્થળો પર ઓચિંતું ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં રહેણાંક તેમજ વ્યાપારીક એકમો પર ૫૨૦૨ જેટલા બનાવમા વિજ ચોરી ઝડપી પાડી હતી. જે વિજ ચોરી બદલ આ મિલકત ધારકોને રૂ.૮૨.૮૩ લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક લોકો વિજ પુરવઠાની ચોરી કરતા હોય છે. જેમાં રહેણાંક વિસ્તારમાં લોકો વિજ થાંભલે આંકડી લગાવી ગેર કાયદેસર વિજ પુરવઠાનો વપરાશ કરતા હોય છે. તેમજ વ્યાપારીક એકમોમાં પણ વિજ ચોરી કરવામાં આવતી હોઈ ઉત્તર ગુજરાત વીજ કંપની બનાસકાંઠા વર્તુળ કચેરીના વિવિધ છ ડિવિઝન દ્વારા બનાસકાંઠા તેમજ પાટણ જીલ્લામાં વિજ ચોરી અટકાવવા તબક્કા વાર વિવિધ સ્થળો પર ઓચિંતી તપાસ હાથ ધરીને વિજ ચોરી ઝડપી પાડવા આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં વિજ તંત્રની ટીમે અવાર ચેકીંગ હાથ ધરીને રહેણાંક તેમજ કોમર્શિયલ એકમોમાં થી ૫૨૦૨ જેટલા બનાવમાં વિજ ચોરી ઝડપી પાડી હતી. જે વિજ ચોરી બદલ આ વિજ ચોરો પાસે થી ૮૨.૮૩ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની બનાસકાંઠા વર્તુળ કચેરીના પાલનપુર એક ડિવિઝન કચેરી દ્વારા વીજચોરીના ૨૭૮ કેસમાં રૂ. ૭ લાખનો દંડ, પાલનપુર બે ડિવિઝન કચેરીએ ૯૬ કેસમાં રૂ.૮.૫ લાખ, ડીસા એક ડિવિઝન કચેરી એ ૧૧૭૦ કેસમાં રૂ. ૨૦.૯૧ લાખ, ડીસા બે ડિવિઝન કચેરીએ ૨૫૭૪ કેસમાં રૂ. ૧૫.૪૨ લાખ, રાધનપુર કચેરીએ ૧૦૦૦ કેસ માં રૂ.૧૮.૫ લાખ અને સિધ્ધપુર વિજ કંપનીએ ૮૪ કેસમાં રૂ. ૧૨.૫ લાખનો દંડ કર્યો હતો.