આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવા મેળામાં પાંચ દિવસ દરમિયાન ૩૬૬ જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર

બનાસકાંઠા
બનાસકાંઠા

મેળામાં પાંચ દિવસ દરમિયાન ૩૬૬ જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી

કોઈ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડેપગે તૈયાર:- સુપ્રીટેન્ડન્ટ વાય. કે. મકવાણા

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રધ્ધાળુ માઇ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુ:ખાવો અને તાવ ,ખાંસી, શરદી, ડેન્ગ્યુ જેવી નાની મોટી બિમારીની સમસ્યા પણ સતાવતી હોય છે. ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઉભી થતી હોય છે. ત્યારે માઇભકતોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. મેળાના પાંચમા દિવસમાં  ૩૬૬ જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી. જેમાંથી ૧૨ જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરેલ છે.

મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ કલોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ, ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં ૩૬૬  લોકોને ઇમરજન્સી સારવાર આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજી ખાતે આપવામાં આવી છે. જેમાં હેડ ઇન્જરી,  ફ્રેકચર, ખેંચ કમળો, ખૂબ તાવ આવવો, છાતીમાં દુખાવો,  તાવ, અશક્તિ જેવા રોગના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

એક સગર્ભા મહિલા પદયાત્રીને પીડા થતાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે મેળા દરમિયાન ઘાયલ થયેલ પદયાત્રીઓ પૈકીના ત્રણ પદયાત્રીઓની હાડકાની સફળ સર્જરી કરાઈ હતી. સારવાર મેળવનાર દર્દીઓ અને તેના સગાઓએ પણ હોસ્પિટલની સારવારથી સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજીના સુપ્રીટેન્ડન્ટ વાય. કે. મકવાણાએ અંબાજી મેળામાં કોઈ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડેપગે તૈયાર છે એમ જણાવી અંબાજી મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. હાલ  રાઉન્ડ ધ કલોક બધા રોગના સ્પેશ્યિલ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ અને ડ્રાઇવર અને પટાવાળા સાથે ૫ એમ્બ્યુલન્સ હાજર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.