
ગુગલના ૧૦૦ શ્રેષ્ઠ સ્ટાર્ટ અપમાં બનાસકાંઠાના યુવાનોની “એપ” ની પસંદગી
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લાના ૦૬ યુવાનોએ ઓનલાઈન નિઃશુલ્ક શિક્ષણ આપતી એડ્યુટર એપ નામની એક એપ બનાવી છે. જોકે, ગુગલ દેશભરમાંથી પસંદ કરેલા ૧૦૦ શ્રેષ્ઠ સ્ટાર્ટ અપમાં બનાસકાંઠાના યુવકોની બનાવેલી એપ ની પસંદગી થતા બનાસકાંઠા જિલ્લાનું નામ વિશ્વ કક્ષાએ ઝળકયું છે.વિશ્વનું ઓનલાઈન શિક્ષણ માટેનું સર્વપ્રથમ ઓપન પ્લેટફોર્મ બનાસકાંઠા ના ૬ યુવાનોએ કોરાના કાળમાં તૈયાર કર્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે માધ્યમ બનતી એપમાં અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરેલ શૈક્ષણિક સાહિત્ય સહિતનું કન્ટેન મૂકવામાં આવ્યું છે. જેથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શિક્ષકોએ મુકેલ કન્ટેન પરથી ઓન લાઇન નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકશે. આ એપ સાથે ૫૦ હજાર થી વધુ શિક્ષકો અને ૧ લાખ થી વધુ વિધાર્થીઓ જોડાયા છે તેવું એપ બનાવનાર દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
ધોરણ ૧ થી ૧૨ સુધીના અભ્યાસનું જુદી જુદી ૨૨ ભાષાઓ સાથે શિક્ષણ આપતી ઇ એડયૂટર એપ ટ્યુશન ન જતા બાળકો માટે આશીર્વાદ રૂપ બની છે. વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી ધરાવતી ગૂગલ કંપની દ્વારા દેશની શ્રેષ્ઠ ૧૦૦ સ્ટાર્ટ અપ ને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરના યુવાનોએ બનાવેલ સ્ટાર્ટ અપ એડયૂટર એપ ની પસંદગી કરાઈ છે. ગૂગલના ટેકનોલોજી નિષ્ણાત બનાસકાંઠા ૬ યુવાનો ને બેઠક માટે બોલાવ્યા છે. અને આ એજ્યુકેશન એપ ને વધુ અપડેટ માટે ટેકનોલોજીનું માર્ગદર્શન આપશે. જેથી બનાસકાંઠાના યુવકોએ બનાવેલી એપ વિશ્વ કક્ષાએ પણ ઉપયોગી બનશે તેવું એપ બનાવનાર ખેતેશ આકોલીયાએ જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તાર યુવાનોએબનાવેલ મોબાઈલ એપમાં ૨૨ રાજ્ય ના શિક્ષકો જોડાયા છે. યુટ્યુબ અને ફેસબુક જેમ આ એપ એજ્યુકેશન માટે ઓપન પ્લેટફોર્મ બને અને ગામડા ના બાળકો ને આંગળી ના ટેરવે શિક્ષણ મેળવે તે હેતુ છે.
વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવનાર યુવાનો
શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુરૂપ બની ઓનલાઈન નિઃશુલ્ક શિક્ષણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતી એપ બનાવી બનાસકાંઠા જિલ્લાને વિશ્વ કક્ષાએ નામના અપાવનાર યુવાનોમાં (૧) ખેતેશ આકોલીયા (પાંસવાળ તા.દાંતીવાડા) (૨)અંકિત ઠાકોર (પાલનપુર), (૩) દીક્ષિત પ્રજાપતિ (વિરમપુર તા.અમીરગઢ), (૪) દેવેન્દ્ર ત્રિવેદી(ડુવા તા.થરાદ), (૫) હર્ષ પ્રજાપતિ (પાલનપુર) અને (૬) દક્ષ ત્રિવેદી (ધાણધા તા.પાલનપુર)નો સમાવેશ થાય છે.