પાલનપુર સિવાય હવે જિલ્લાના ચાર સ્થળે આરટીઓના કેમ્પ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લાના વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે ડીસાના ધારાસભ્યે કરેલી રજૂઆતને સફળતા મળી છે અને હવે બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં અલગ અલગ ચાર તાલુકા કક્ષાએ મહિનામાં એક વાર કૅમ્પ યોજવાનો ર્નિણય કરતા હજારો વાહન ચાલકોને ઈંધણ અને સમયનો બચાવ થશે. વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો ખૂબ જ મોટો છે અને જીલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર ખાતે આવેલી છે. જેથી સુઈગામ, વાવ, ભાભર સહિત છેવાડે અંદાજીત ૧૫૦ કિલોમીટરથી પણ વધુ દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ લાઇસન્સ સહિતની કામગીરી માટે પાલનપુર અનેક ધક્કાઓ ખાવા પડતા હતા. જેથી વાહન ચાલકોને ઇંધણની સાથે સાથે સમયનો પણ ખૂબ જ વેડફાટ થઈ રહ્યો હતો. જે બાબત ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીને ધ્યાને આવતા તેઓએ તરત જ આ મામલે જિલ્લા કલેક્ટર સહિત સરકારમાં પણ લેખિત રજૂઆત કરી હતી.ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુરે નોંધ લઈ હવેથી જિલ્લામાં અલગ અલગ ૪ તાલુકા કક્ષાએ કેમ્પ યોજવાનું આયોજન કર્યું છે. એટલે હવે દર ગુરુવારે અલગ અલગ તાલુકા કક્ષાએ આરટીઓ કચેરી દ્વારા કેમ્પ યોજાશે. જેમાં પ્રથમ ગુરુવારે ડીસા, બીજા ગુરુવારે દિયોદર-ભાભર, ત્રીજા ગુરુવારે થરાદ અને ચોથા ગુરુવારે ધાનેરામાં આરટીઓ કચેરી દ્વારા કેમ્પ લગાવવામાં આવશે. જેથી જે તે તાલુકા અને વિસ્તારના લોકોની કામગીરી સ્થાનિક કક્ષાએથી થઈ શકે. સરકારના આ ર્નિણયથી બનાસકાંઠા જિલ્લાના હજારો વાહન ચાલકોનો લાખ્ખો રૂપિયાનું ઇંધણ અને સમયનો પણ બચાવ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.