
ભાભરના ગોસણ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વધુ એકનું મોત
ભાભર તાલુકાના ગોસણ ગામના પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં બાળકી સહિત પાંચના મોત થયાં હતાં. તેમજ ૨ પિતા- પુત્રી ઘાયલ થયા હતા. જેમને વધુ સારવાર માટે આગળ મહેસાણા રિફર કરાયા હતા. જેમાં પિતા ઈશ્વરભાઈ ધુડાભાઈ માળીની તબિયત વધુ લથડતાં અમદાવાદ સિવિલ લઇ જવાયાં હતાં. જેઓનું પણ આજ રોજ સવારે ૧૧ કલાકે મોત નીપજ્યું હતું. ઈશ્વરભાઈ માળીના મોતથી ફરી અરેરાટી વ્યાપી હતી.જે અકસ્માતમાં કુલ ૬ ના મોત થયા છે.
અકસ્માતમાં ઈશ્વરભાઈ માળીના પત્ની દેવીબેન માળીનું મોત થયું હતું અને આજ રોજ ઈશ્વરભાઈ માળીનું પણ મોત નીપજતાં પરિવારનો માળો વિખાયો છે. મૃતક ઈશ્વરભાઈ માળી મૂળ વાવ જિલ્લો બનાસકાંઠાના વતની હતા તેમજ તેમના પત્ની સહિત ૨ દીકરા તેમજ ૧ દીકરી સાથે કડી મુકામે શાકભાજીનો રિટેલ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પરિવારના ૨ મુખ્ય વ્યક્તિના મોતથી બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.તેથી માળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.