
પાણીના નામે ગેરરીતિ મામલે જાગૃત નાગરિકોની વધુ એક લડત
ધાનેરા તાલુકામા ચાલુ વર્ષ દરમિયાન સિંચાઇ વિભાગે કરેલ કામગીરી શંકાનાં ઘેરામા જાેવા મળી રહી છે. તાલુકાના વિવિધ ગામોમા તળાવો ઊંડા કરવાની સાથે પાણીના વહેણમા દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતા ધાનેરાની પ્રજા ભારે રોષે ભરાઈ છે.ત્યારે તાલુકાના અડધા ગામોમા પીવા માટે પાણી મળતું નથી. એકતરફ ગરમી પડી રહી છે તેવા સમયે જ લોકોને પીવા માટેનું પાણી પણ ન મળી રહ્યું હોય તો તે ગંભીર બાબત છે. લોકોને આવા સમયે પીવાનું પાણી જ ન મળતુ હોય તો પછી સિંચાઇ માટેની તો વાત જ ક્યાં રહી ? આગામી સમયમાં તાલુકાની જનતાને પાણી નહી મળે તો હિજરત કરવી પડે તેવો સમય આવી ગયો છે. જ્યારે બીજીતરફ પ્રજાની ભલાઈ માટે અને પાણીની ચિંતા સાથે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારે કરોડો રૂપિયા પાણીના બચાવ પાછળ ખર્ચ કરવાની જવાબદારી સિંચાઇ વિભાગને સોંપી છે.પરંતુ સિંચાઇ વિભાગ અને કેટલીક સંસ્થાઓએ સાથે મળી તળાવો ઊંડા કરવા તેમજ પાણીના વહેણમા માટીકામ કરવાની આડમા કરોડો રૂપિયાની ગેરરીતિ કરતા તાલુકાની પ્રજાએ જિલ્લા કલેકટર સુધી આ અંગેની રજૂઆતો પહોચાડવા માટે ધાનેરા પ્રાંત કચેરીએ પહોંચી ફરજ પર હાજર શિરસ્તેદારને આવેદનપત્ર આપ્યું હતુ. તાલુકાના ૬ ગામોમાંથી પસાર થતા પાણીનાં વહેણમા જાણે હાથ પાવડાથી માટી ઊંચી કરી હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરી કોન્ટ્રાકટર ગાયબ થઈ જતાં ૬ ગામના જાગૃત નાગરિકોએ પાણીના નામે થતી છેતરપીંડી બાબતે આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે.આમ સરકાર પ્રજાના હિતમા યોજનાઓ બનાવે છે પરંતુ આ રીતે પોતાના ખિસ્સા ભરવા માટે સરકારી બાબુઓની મનમાની સામે ધાનેરામા પાણીના નામે થતી ગેરરીતીની લડત શરૂ થઈ છે તેમ રવીયા ગામના જાગૃત નાગરિક પાચાભાઈ રબારીએ જણાવ્યું હતું.