
બનાસકાંઠામાં સર્જાઈ શકે વધુ એક બ્રિજ દુર્ઘટના, તંત્ર અજાણ
બનાસકાંઠામાં વધુ એક બ્રિજ દુર્ઘટના સર્જાઈ શકે છે. દિયોદરમાં બની રહેલાં રેલવે ઓવર બ્રિજમાં તિરાડો દેખાવા લાગી છે. જેમાં બ્રિજના ઉદ્ઘાટન પહેલાં જ તિરાડો દેખાવા લાગતા લોકોમાં ભયનો માહોલ છે. તેમજ પ્રોટેક્શન વોલમાં તિરાડો દેખાતા લોકોમાં ભય ઉભો થયો છે.વધુ એક દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તપાસ થાય તેવી માંગ લોકો કરી રહ્યાં છે. બે દિવસ પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો. પાલનપુર RTO સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટ્યો હતો. અંબાજી તરફ જતા રોડ પર બની રહેલો બ્રિજ ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ તૂટતા કાટમાળ રોડ પર વિખેરાયો હતો. જ્યારે આ ઘટનામાં ટ્રેક્ટર અને રિક્ષા દબાયા હતા. જેમાં બે લોકો દબાઇ જતા તેમના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે ચાલુ કામે બ્રિજ ધરાશાયી થયો હતો. બ્રિજ ધરાશાયી થતાં બે લોકોને ઇજા પહોંચી હતી તથા બે લોકોના મોત થયા હતા. દોઢ વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ કરાયું હતું. આગામી જાન્યુઆરીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની હતી. આ મામલે જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનીયરો સામે હાલ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે કુલ 11 સામે ગુનો નોંધાઇ રહ્યો છે. પોલીસ સુત્રોએ કહ્યું કે આર એન્ડ બી અને એફએસએલના તમામ રિપોર્ટ આવ્યા બાદ અન્ય કોઇ દોષિત હશે તો તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.