
લાખણીના લીંબાઉ ગામેથી વધુ એક બોગસ ડોકટરનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની સૂચનાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લાખણીમાં ડીગ્રી વગરના ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.જેમાં લાખણી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વિશેષ અભિયાન છેડાયું છે.જેમાં બોગસ ડોકટરો રંગે હાથ ઝડપાતા અન્ય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે લીંબાઉ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી દવે અરવિંદ કનૈયાલાલ કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ખુલ્લેઆમ એલોપથીક દવાઓ કરીને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતો હતો. જેની બાતમી મળતાં લવાણા મેડિકલ ઓફિસરે પોતાની ટીમ સાથે બોગસ ડોકટર અરવિંદ દવેના ઘરે રેડ કરતાં ઘરે ક્લિનિક બનાવેલ છે અને એમાં એલોપથીક દવાઓ,ટેબલ,ખુરશી વગેરે હતા અને કોઈપણ પ્રકારની માન્ય ડીગ્રી ન હતી. જેના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પંચનામું કરી દવાઓનો જથ્થો કબ્જે લઈને બિનધિકૃત દવા કરતા બોગસ ડોકટર વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોતની હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા બોગસ ડોકટરો વિરૂદ્ધ તવાઈના આ અભિયાનને વ્યાપક લોક આવકાર સાંપડ્યો છે. બોગસ ડોકટર અરવિંદ દવેએ પોતાના નિવેદનમાં મારા ત્યાં માન્ય ડીગ્રી વાળા ડોકટર વિઝીટ કરવા માટે આવે છે તેમ જણાવી આરોગ્ય વિભાગને ગેરમાર્ગે દોરી છટકવાનો ખોટો પ્રયાસ કર્યો છે.