રખડતાં પશુઓથી વધુ એક અકસ્માત, બે બાઇક સવાર યુવકો ગંભીર રીતે ઘવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર સહીત હાઇવે વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. જેથી પશુઓ સાથે અથડાતા વાહન ચાલકોના અકસ્માતોના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના રામસણ હાઇવે પર પસાર થઈ રહેલા બાઈક ચાલકને રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જતા અકસ્માત નડ્યો હતો. જેમાં બંને બાઇક સવાર યુવકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પાલનપુર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ રામસણ ગામ નજીક હાઈવે પર મેઘાજી પાંચાજી ઠાકોર અને સંજયજી ગણેશજી ઠાકોર નામના બે યુવાનો બાઇક લઈને રામસણ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ગાય સાથે અથડાઈને રોડ પર પટકાતા બાઈક સવાર બંને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

શહેર તથા હાઇવેમાંથી રખડતા પશુઓને નાથવા જરૂરી
ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. થોડાક દિવસ અગાઉ વડાવલ નજીક માલગઢ ગામનો યુવાન પણ હાઇવે પર રખડતાં પશુને અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે રામસણ નજીક વધુ બે યુવાનો રખડતા પશુઓના અડફેટે આવતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડીસા શહેરમાં પણ રખડતા પશુઓને ત્રાસ વધી રહ્યો છે ત્યારે રખડતા પશુઓને નાથવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સામે જાગૃત નાગરિકે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.