ડીસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો; ધૂળિયાકોટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી
ડીસામાં વરસાદ વહેલી સવાર સુધી ધીમીધારે વરસતો રહ્યો છે. રાતભર પણ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. આ વખતે લાંબા વિરામ બાદ વરસાદ આવતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દિવસ પર ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરતા લોકોને હવે વરસાદ થતાં શાંતિ થઈ છે અને ભારે ઉકળાટ અને ગરમીથી પણ રાહત અનુભવી રહ્યા છે.
ડીસામાં વરસાદની હેલી શરૂ થતા આજ સવાર સુધી 39 મિમી એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો અત્યાર સુધીમાં 303 મિમી એટલે કે 36.76 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ડીસામાં જલારામ મંદીર સામે પિંક સોસાયટી આગળ ધૂળિયા કોટ સહિત અનેક નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ધીમીધારે વરસાદ વરસતો હોવાના કારણે કોઈ જગ્યાએ વધુ પાણી ન ભરાતા તંત્રએ પણ નિરાંત અનુભવી હતી.