
પાલનપુરમાં અશાંતધારો લાગુ કરવાની વર્ષો જૂની માંગણીનો અંત
પાલનપુર શહેરના કોટના અંદર ના વિસ્તારમાં અશાંતધારાની વર્ષો જૂની માંગણીનો અંત આવ્યો છે. રાજ્યની ભાજપ સરકારે પાલનપુરના ૩૪ જેટલા વિસ્તારોને આવરી લઈ અશાંતધારો લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે ર્નિણયને હિંદુ સમાજે આવકાર્યો છે. ત્યારે મુસ્લિમ સમાજે અશાંતધારા ને બન્ને કોમ માટે નુકસાનકારક ગણાવ્યો હતો. સરહદી બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં ૧૯૯૦ની સ્થિતિએ હિન્દુઓની બહુમતિ ધરાવતા કોટના અંદરના વિસ્તારોમાં હિંદુઓ લઘુમતિમાં મુકાઈ રહ્યા હોવાની રાવ ઉઠી હતી. કોટના અંદરના વિસ્તારમાં હિંદુઓને હિજરત કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે. ત્યારે અશાંતધારો લાગુ કરવાની માંગણીએ જોર પકડયુ હતું. જે અંગે હિંદુ સમાજના વિવિધ સંગઠનોએ રેલી ધરણાં યોજી અશાંતધારાના અમલની માંગ કરી હતી. ત્યારે અશાંતધારો લાગુ કરવાના ર્નિણયને હિંદુ સમાજે આવકારતા હિંદુ સમાજના અગ્રણી ચંદ્રેશભાઈ ઠાકરે અશાંત ધારાને અમલી બનાવવા માટે શરૂઆતથી અત્યાર સુધી જહેમત ઉઠાવનાર સૌ કોઈના યોગદાનને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આમ, પાલનપુરમાં અશાંત ધારો લાગુ થતા હિંદુ સમાજની વર્ષો જૂની માંગણીનો અંત આવ્યો છે.
અશાંતધારો બંને કોમ માટે નુકસાનકારક
અશાંત ધારા ને લઈને મુસ્લિમ સમાજના આગેવાનોનું માનવું છે કે, અશાંત ધારો શબ્દ જ વ્યાજબી નથી. કારણ કે પાલનપુરમાં વર્ષોથી શાંતિ છે. લોકો ભાઈ ચારાથી રહે છે અને અશાંત ધારો લાગુ થવાથી બંને કોમોને નુકસાન છે બંને કોમોના લોકો પોતાના મકાન વેચી શકશે નહીં લઈ શકશે નહીં અને જેને કારણે આ અશાંતધારાથી તેમાં રૂકાવટ આવશે. મુસ્લિમ અગ્રણી મૌલાના અબ્દુલ કુદુસે અશાંતધારાને બંને કોમો માટે નુકસાનકારક ગણાવ્યો હતો.
તત્કાલીન મહિલા પ્રમુખે ઠરાવ કર્યો હતો
જોકે, હિંદુ સમાજ ઉપરાંત વિવિધ હિંદુ સંગઠનોની માંગણીને ધ્યાને લઈને ભાજપ શાસિત પાલનપુર
નગરપાલિકા ના તત્કાલીન મહિલા પ્રમુખ હેતલબેન રાવલે પાલિકા માં ઠરાવ કરી કલેક્ટરમાં દરખાસ્ત કરી હતી. જેઓની મહેનત રંગ લાવતા તેઓએ પણ અશાંતધારા ના ર્નિણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર, ભાજપ મોવડી મંડળ સહિત સરકારનો આભાર વ્યક્ત કરતા ખુશી વ્યક્ત કરી હતી.