
અંબાજી મંદિરે ભારતના વિજય માટે પ્રાર્થના કરી
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આજે રવિવારે માતાજીના ગરબા લઈને ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવ્યા હતા અને ભક્તો બોલ મારી અંબે, જય જય અંબેના નારા લગાવ્યા હતા. સાથે સાથે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચમાં ભારતનો જંગી મતે વિજય થાય તે માટે પણ માતાજીને પ્રાર્થના કરી હતી.ભકતોએ ‘જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા, જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગા’ના નારા લગાવ્યા હતા. મંદિરમાં આવેલા ભક્તોએ મોટી સંખ્યામાં ભારતનો વિજય થાય તે માટે મંદિરમાં માતાની સમક્ષ પ્રાર્થના કરી હતી. નાના બાળકોથી લઈને મોટા લોકોએ પણ માતાજી સમક્ષ ઓસ્ટ્રેલિયા સામે ભારત જીતે તેવી પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરની હવનશાળામાં પણ બ્રાહ્મણો દ્વારા હવન, પૂજા અર્ચના કરાઈ હતી.
વર્લ્ડકપની ફાઈનલ મેચ આજે રવિવારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા મેચની ફાઇનલ મેચ રમનાર છે. ભારત સમગ્ર વર્લ્ડકપમાં તમામ મેચો જીત્યું છે. ત્યારે આજે પણ ફાઇનલ મેચમાં જંગી મતે ભારતનો વિજય થાય તે માટે તેમના સમર્થકો અને ભક્તો દેવસ્થાનો પર જઈને માતાજીને આરાધના કરી રહ્યા છે. જગવિખ્યાત અંબાજી મંદિરમાં પણ અલગ અલગ જગ્યાથી આવેલા ભક્તોએ સંઘો લઈને માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના ચાચર ચોકમાં ગરબે રમ્યા હતા અને માતાજીને પ્રાર્થના કરી હતી કે માતાજી ઓસ્ટ્રેલિયા સામે ભારતનો જંગી મતે વિજય થાય.