
અંબાજી અને માંકડી ગામે વિધાનસભાના શંકરભાઇ ચૌધરીની આગેવાનીમાં સામૂહિક ગ્રામ સફાઇ કાર્યક્રમ યોજાયો
આગામી ૩૦ મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મા જગદંબાના દર્શન કરવા અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને ગમતું સ્વચ્છતાનું કામ કરી વડાપ્રધાનને આવકારવા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા અંબાજી અને દાંતા તાલુકાના માંકડી ગામે સામૂહિક સ્વચ્છતા યોજાઈ હતી. અધ્યક્ષએ ગ્રામજનો સાથે સફાઇ કરી ગામલોકોને પોતાના ગામની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેમજ વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીને સ્વચ્છ અંબાજીની પ્રતીતિ કરાવવા અને તેમનો સ્વચ્છતાનો સંકલ્પ પૂર્ણ કરીશું એવો વિશ્વાસ આપવા અધ્યક્ષએ સૌને અનુરોધ કર્યો હતો.અધ્યક્ષના સફાઈ અભિયાનમાં સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ, ટ્રસ્ટ અને વિવિધ મંડળના હોદેદારો તેમજ કાર્યકરો મળી બે હજાર જેટલાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાનું ઘર, ગામ ચોખ્ખુ રાખી સ્વચ્છતાને જીવન મંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આપણા ગામને સ્વચ્છ રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે એમ કહી ગમે ત્યાં પ્લાસ્ટીક ન ફેંકવું અને ગામને સ્વચ્છ રાખવું એ પણ મોટી સેવાનું કામ છે એમ અધ્યક્ષએ જણાવ્યું હતું.
સાથે ગામના વડીલો, સંસ્થા, મંડળના હોદેદારોએ સ્વચ્છતામાં સઘન સફાઈ કરી હતી. વડીલોનો સફાઈ પ્રત્યેનો આગવો અભિગમ અને ઉત્સાહ જોઈ અધ્યક્ષએ યુવાનોને પ્રેરણા લેવા અને આ રીતે એક જુટ થઈ સદા માટે સ્વચ્છતા રાખવા ગ્રામજનોને અપીલ કરી હતી.સાથે નૈસર્ગિક ટ્રસ્ટ, પાલનપુર ગ્રાહક સુરક્ષા અને સલાહકાર મંડળ, અંબાજી તરાલ ગંગાબેન માલજીભાઈ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, બનાસકાંઠા મધ્યાહન ભોજન યોજના એશોસિએશન, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, એન.સી.સી., અંબાજી હોટલ એશોસિએશન, અંબાજી ગ્રામ પંચાયત, બંસી ગૌ શાળા, અંબાજી રાધે કિષ્ના ગૌ શાળા, એન્જલ સ્કુલ ડીસા તથા બનાસકાંઠા જિલ્લા વ્યાજબી ભાવની દુકાનોના એશોસિએશન જેવી સામાજિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળો સફાઈ ઝુંબેશમાં સહભાગી બન્યા હતા.