
અંબાજીના ગબ્બર ખાતે માતાજીની ભક્તિની સાથે સાથે વર્લ્ડકપનો માહોલ જામ્યો
અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. આજે વર્લ્ડકપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. ત્યારે બંને દેશના પ્રધાનમંત્રી આ મેચ જોવા આવનાર છે. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે તે માટે ભારતીયો પ્રાર્થના કરી રહ્યા છે. જ્યાં અંબાજી મંદિરમાં પણ ભક્તો માતાજીની આરાધના સાથે સાથે માતાજી સમક્ષ ઓસ્ટ્રેલિયા સામે ભારતનો જંગી રને વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી અને અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર ખાતે પણ ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચના પગલે શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ક્રિકેટ મેચનો માહોલ જોવા મળ્યો હતો. ગબ્બર અખંડ જ્યોતની આસપાસ તીરંગા મુકવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ તિરંગાના રંગે અખંડ જ્યોત રંગાતી હોય છે. ત્યારે આજે વર્લ્ડકપના ફાઇનલ મેચ દરમિયાન અખંડ જ્યોતના આસપાસ તિરંગા મૂકવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા મા અંબાને ભારત જીતે તેવી પ્રાર્થના કરાઈ હતી. ગબ્બર અખંડ જ્યોત વર્ષોથી પ્રજવલિત થઈ રહી છે. અંબાજી મંદિરમાં અને ગબ્બર ખાતે ભક્તોએ જીતેગા ભાઈ જીતેગાના નારા લગાવ્યા હતા.