નિર્દોષ યુવકોને માર મારી ગુનો કબુલવા દબાણ કરાતું હોવાના આક્ષેપો : સાંસદના આક્ષેપોને નકારતા જિલ્લા પોલીસવડા
જૈન સાધ્વી છેડતી કેસમાં બનાસકાંઠા પોલીસ પર ગંભીર આક્ષેપો, બનાસકાંઠા પોલીસ પર મહિલા સાંસદે કર્યા ગંભીર આક્ષેપો
નિર્દોષ યુવકોને માર મારી ગુનો કબુલવા દબાણ કરાતું હોવાના આક્ષેપો:સાંસદના આક્ષેપોને નકારતા જિલ્લા પોલીસવડા
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જૈન સાધ્વીજીની છેડતી કેસમાં પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા નિર્દોષ યુવકોને માર મારી ગુનો કબુલવા માટે દબાણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો બનાસકાંઠાના મહિલા સાંસદે કરતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠાના ભાભર ખાતે તાજેતરમાં જૈન સાધ્વીઓ સાથે છેડતીનો બનાવ બનતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા અલગ- અલગ ટીમો બનાવી છે. તો વળી બોર્ડર રેન્જ આઈજી દ્વારા સીટ ની પણ રચના કરાઈ છે. છતાં પોલીસ ગુનેગારોની ભાળ મેળવવામાં નાકામ રહી છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા નિર્દોષ યુવકોને માર મારી ગુનો કબુલવા દબાણ કરાઈ રહ્યું હોવાના સનસનીખેજ આક્ષેપો બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યા હતા.
જોકે, સાંસદ ગેનીબેન ઠાકોરના આક્ષેપોને જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ નકાર્યા હતા. જિલ્લા પોલીસવડાનું માનીએ તો, અત્યાર સુધીમાં અલગ અલગ જ્ઞાતિના 350 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ છે. કોઈ એક સમાજને ટાર્ગેટ કરાયો નથી. આ યુવકોને કોઈ મારપીટ કરાઈ નથી. અમોએ ટેક્નિકલ ઇનપુટ, ટેક્નિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી તપાસ કરી રહ્યા છીએ.
આમ, જૈન સાધ્વી છેડતી મુદ્દે ભેખડે ભરાયેલી પોલીસ સામે મહિલા સાંસદે નિશાન તાકતા પોલીસ બચાવની સ્થિતિમાં આવી ગઈ છે. એલસીબી પોલીસ પર ગંભીર આક્ષેપો: બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, જૈન સાધ્વી છેડતી મુદ્દે અમો જૈન સમાજ સાથે છીએ. પરંતુ સાચા ગુનેગારોને શોધી કાઢવામાં નાકામ રહેલી પોલીસ દ્વારા નિર્દોષ યુવકો ની પજવણી કરી માર મારી ગુનો કબુલવા માટે થતું દબાણ પોલીસ ની કાર્યક્ષમતા પર સવાલ ઉભા કરે છે.
એલસીબી પોલીસ દ્વારા ઠાકોર સમાજના એક યુવક ને ઢોર માર મારી નગ્ન કરી તેના ફોટા પાડી તેને ગુનો કબુલવા દબાણ કરાતું હોવાના ચોંકાવનારા આક્ષેપો કરતા મહિલા સાંસદે જણાવ્યું હતું કે, બનાસકાંઠા એલસીબી પોલીસ સાચા ગુનેગારો ન મળતા નિર્દોષ માણસોને સંડોવી દઇ ગુનાનો ભેદ ઉકેલતી હોવાની તેની માનસિકતાનો પરિચય આપી રહી છે. એક સમાજને ટાર્ગેટ કરી તેની બદનામી કરવા સામે તેઓએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હતા.