
પાલનપુર થી અંબાજી સુધીના તમામ પુલોનું નવીનીકરણ થઈ : ઉમરદશી નદીના જર્જરીત પુલ ઉપરના ખાડા જીવલેણ
પાલનપુર તાલુકાના મેરવાડા- રતનપુર ગામની મધ્યમાંથી ઉમરદશી નદી પસાર થાય છે. જેના પર ઘણા વર્ષો પહેલાં પુલનું નિર્માણ થયેલ છે પરંતુ આ પુલ વર્ષો જુનો હોઇ તેના પર અવારનવાર સમારકામ થાય છે પણ હાલમાં પુલની વચ્ચે જ જીવલેણ મોટા ખાડા પડી ગયા છે. જેનાથી દિવસ દરમિયાન હજારો વાહનો ખાડામાં પટકાય છે.જેમાં કોઇ વાહનના ટાયર ફુટવાની કે પાટા તુટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. એટલું જ નહીં, ભારે લોડીંગ વાહનો સામસામે આવી જતાં રોજીંદો ટ્રાફિક ચક્કાજામ થાય છે અને નાના- મોટા માર્ગ અકસ્માતો પણ સર્જાય છે.વળી, આ પાલનપુરથી યાત્રાધામ અંબાજી જવાનો મુખ્ય માર્ગ છે અને પાલનપુરથી અંબાજી સુધીના તમામ પુલોનું ચાર માર્ગીય નવિનીકરણ પણ થઈ ગયુ છે.જ્યારે માત્ર આ એક જ પુલ બાકી રહી ગયો છે. જેથી વાહન ચાલકો સાથે લોકો પુલ પરથી પસાર થતી વખતે ભય સાથે પોતાને અસુરક્ષિત પણ અનુભવે છે.
જિલ્લા મુખ્યાલય પાલનપુરથી અંબાજી જતા અધિકારીઓ તથા પદાધિકારીઓ રોજ આ રસ્તેથી પસાર થતા હોય છે એમણે પણ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ પુલનું ચાર માર્ગીય નવિનીકરણ થાય એવી માંગ કરી છે.પણ જવાબદાર તંત્ર ઘોરે છે.તેથી કોઈ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર કમ સે કમ હાલમાં તો આ પુલ વચ્ચે પડેલા ખાડાઓ પુરે જેથી કોઈ પરીવારની દિવાળી ના બગડે એવો ગામલોકોએ આક્રોશ વ્યક્ત કર્યોં હતો.