
બનાસકાંઠામાં ફરી વરસાદની હાથતાળીથી ખેતીપાકોને ખતરો
બનાસકાંઠા જિલ્લામાં ઓગસ્ટ કોરોધાકોર પસાર થયા બાદ સપ્ટેમ્બરમાં પણ એકાદ-બે ઝાપટાંને બાદ કરતાં વરસાદ પડ્યો નથી. તેથી પાકવાના આરે ઉભેલા વિવિધ પાકો ઉપર ખતરો મંડરાયો છે. બનાસકાંઠાના અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઇગામ તાલુકામાં પ્રારંભે ભરપૂર વરસાદ થતાં સારા પાકની આશાએ ખેડૂતોએ મોટાપાયે વાવેતર કર્યું છે. પરંતુ ત્રણ રાઉન્ડમાં ભરપૂર વરસાદ બાદ છેલ્લા ચોથા રાઉન્ડમાં મેઘરાજા જાણે વરસવાનું ભૂલી ગયા છે. ઓગસ્ટ બાદ હવે સપ્ટેમ્બર માસ છુટાછવાયા ઝાપટાંને બાદ કરતાં કોરો પસાર થઈ રહ્યો છે. તેથી પિયત ની સગવડ ધરાવતા ખેડૂતો બોરો દ્વારા પિયત આપી પાકોને બચાવવાની મથામણ કરી રહ્યા છે પણ આકાશી ખેતી ઉપર ર્નિભર ખેડૂતોના પાકો બળવા લાગ્યા છે.
વરસાદની અનિયમિતતાના કારણે એકતરફ પાણીનું સ્તર નીચું ગયું છે અને બીજીતરફ વરસાદ નથી. જેના કારણે ખેડૂતો નો પાક બળી જવાના આરે છે. બે દિવસ પહેલા પાલનપુર વડગામ, ડીસા અને દાંતામાં એક ઇંચ વરસાદ પડતા ખેડૂતો ના પાકને જીવતદાન મળ્યું હતું. પરંતુ કેટલાક તાલુકાઓમાં વરસાદ થયો નથી. આવી સ્થિતિમાં પાક નિષ્ફળ જવાની સંભાવના છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ વરસાદની જરૂર છે અને જાે વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મગફળી, ગુવાર, એરંડા, બાજરી, કઠોળ અને ઘાસચારો સહિતના પાકો વિનાશના આરે છે.