ડીસામાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ: શહેરના માર્ગો પાણી પાણી થયા
ડીસા સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વિરામ બાદ ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.પ્રથમ વરસાદે જ વાવણી લાયક વરસાદ થતાં અનેક ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. જ્યારે છેલ્લા ચાર દિવસથી વાતાવરણ વાદળછાયું રહેતા ભારે ગરમી અને બફારાના કારણે વરસાદની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદે હાથતાલી દેતા લોકો ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયા હતા. ત્યારે આજે રોજ વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. તેમજ લોકોએ વરસાદમાં ભીંજાવવાની મજા માણી હતી.