ડીસાના સરદાર બાગથી રેલવે સર્કલ સુધીના જાહેર રોડ ઉપર રખડતા ‘ઢોરોનો અડિંગો’
ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગો ઉપર કે ડિવાઇડર પર રખડતાં ઢોરે અડીંગો જમાવેલો જાેવા મળી રહ્યો છે ત્યારે શહેરના હાર્દસમા બગીચાથી એસ.સી.ડબલ્યુ. જતાં માર્ગ પર અને ડિવાઈડર ઉપર આરામ ફરમાવતા રખડતા ઢોર રોજિંદા જાેવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા અડચણરૂપ વિવિધ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવા માટે વ્યવસ્થા કરાઈ છે તો વિકાસની ગુલબાંગો હાંકનાર ડીસા નગરપાલિકાને અહીં તહીં જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવેલા રખડતા ઢોરોને પાંજરે પુરવા માટે ક્યો ગ્રહ નડે છે ? તેવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવેલા રખડતા ઢોરોને કારણે કોઇ રાહદારી કે વાહન ચાલક ભોગ બનશે તો જવાબદાર કોણ ?? આ અગાઉ એક જાગૃત નાગરિક દ્વારા રખડતાં ઢોર બાબતે ધરણા યોજવામાં આવ્યા હતા ત્યારે પૂર્વ પ્રમુખ દ્વારા
જાગૃત નાગરિકને પારણા કરાવી રખડતા ઢોરને પાંજરે પુરવા માટેની હૈયાધારણા આપી હતી પરંતુ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ ના ન્યાય મુજબ હજુ સુધી ડીસામાં માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરોની સમસ્યા હલ કરવાનો સત્તાધિશોને સમય જ નથી.
સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા
ડીસામાં ટ્રાફિકની સમસ્યા વકરેલી છે જેને કારણે આવા રખડતાં ઢોરોના કારણે કોઇ બુજુર્ગ, મહિલા કે બાળક ઢોરોનો ભોગ બને તો જવાબદારી કોની રહેશે ? તેવા અણિયાળા સવાલો જનતામાંથી ઉઠી રહ્યા છે.