અંબાજી ખાતે વિખુટા – ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. અંબાજીના તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે, ત્યારે અનેક લોકો પોતાના સગા સંબંધીઓથી વિખુટા પડી જતાં હોય છે. આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.
અંબાજી ખાતે શરૂ થયેલ આ કંટ્રોલ રૂમ અનેક લોકો માટે મોટી સુવિધારૂપ સાબિત થયો છે. ખોડીવલી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ થકી સમગ્ર અંબાજી પરિસરમાં સૂચના સત્વરે મોકલી શકાય છે, જેથી મેળા દરમિયાન વિખૂટા પડેલા કે ખોવાયેલ વ્યક્તિઓ માટે મુખ્ય કંટ્રોલ રૂમ મહત્વનો સાબિત થયો છે. પદયાત્રીઓએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાજી ખાતે બનાવવામાં આવેલ મુખ્ય કંટ્રોલ રૂમમાં તા.૧૭ સપ્ટબેરના ૧૧:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪,૪૯૬ જેટલા વિખુટા-ખોવાયેલા વ્યક્તિઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે. આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન, બેગ, મોબાઈલ, પાનકાર્ડ, આધારકાર્ડ, લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ્સ, ATM કાર્ડ વગેરે માટે પણ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. ૩ શિફ્ટ અને ૨૪ કર્મચારીઓ સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત આ કંટ્રોલ રૂમમાં મંદિરની વ્યવસ્થાઓ વિશે લોકોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.