ડીસા સબજેલમાં કાચા કેદીઓને આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી
બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ ડીસા સબજેલમાં કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી કાચા કામના કેદીઓ જલ્દી છૂટી પોતાના પરિવારને મળે અને સારા ભવિષ્ય સાથે નવી શરૂઆત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સમગ્ર દેશમાં ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સબજેલમાં કાચા કામના કેદીઓ પણ આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડીસામાં આદર્શ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સબ જેલમાં બંધ કાચા કામના કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીનીઓએ તમામ આરોપીઓને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી કલાઈએ રાખડી બાંધી હતી અને તમામ આરોપીઓ જલ્દી છૂટીને તેમના પરિવાર સાથે તેમનું મિલન થાય અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ભાઈ બેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા હોય છે.
પરંતુ અનેક એવા લોકો હોય છે જે ગુના કરી જેલમાં હોવાથી તહેવારો પોતાના પરિવાર સાથે ઉજવવાથી વંચિત રહી જાય છે ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે માટે ડીસાની આદર્શ સ્કૂલની 44 નાની બાળકીઓએ ડીસા સબજેલમાં 26 કાચા કામના કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. કેદીઓનું દિલ પરિવર્તન થાય અને સારી જિંદગી જીવવાની પ્રેરણા મળે તે હેતુથી આજે સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.અને કેદીઓએ પણ આગામી સમયમાં જેલમાંથી બહાર આવી સારું જીવન જીવવાના સોગંધ લીધા હતા.