દલવાડામાં નજીવી તકરારમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો : પાટણ થી આરોપીને દબોચી લેતી પોલીસ
ગણતરીના દિવસોમાં પાટણ થી આરોપીને દબોચી લેતી પોલીસ: પાલનપુર તાલુકાના દલવાડા ગામના બસસ્ટેન્ડ નજીક બે દિવસ અગાઉ બે યુવકો વચ્ચે બોલાચાલી થઇ તો એક યુવકે બીજા યુવકને ખુલ્લેઆમ છરીના ઘા ઝીંકી દીધા અને મોતને ઘાટ ઉતારી દીધો. જોકે,સમગ્ર ઘટનાને લઇ મૃતકની પત્નીએ પતિની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ને લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદથી હત્યા કરનાર આરોપીને પાટણ નજીક થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
નજીવી તકરારમાં એક યુવકે બીજા યુવક પર શરીરના ઘા ઝીંકી હત્યા કરવાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના દલવાડા ગામે ગામના બસ સ્ટેન્ડ નજીક બેઠેલા બે યુવકો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી તકરારનો મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પાલનપુર તાલુકા ના દલવાડા ગામે રહેતા સંજય ભાઈ નાગરભાઈ બાઈવાડીયા કે જે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
જો કે તેઓ બે દિવસ અગાઉ ઘરે જમી તે બાદ ઘર નજીક આવેલા બસ સ્ટેન્ડના ઓટલે બેઠા હતા. તે સમયે પાટણના સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામનો જીગર હીરા ભાઈ પરમાર નામનો શખ્સ ત્યાં આવ્યો અને આ શખ્સ આવીને તરત સંજયભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યો અને તે બાદ સંજયભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારે નજીવી તકરારમાં આરોપી જીગરે તેની ફાંટમાં રહેલી છરી કાઢી સંજય ભાઈના શરીર પર અલગ અલગ જગ્યાએ છરીના ઘા ઝીંકી દીધા અને તે બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યારે છરીના ઘા વાગવાથી સંજય ભાઈ ને ખુબ લોહી વહી ગયું હતું અને તે જમીન ઉપર ઢળી પડ્યા હતા. સંજયભાઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જેને લઇ સંજયભાઈની પત્ની ભગી બેન સહિત આસપાસના લોકોએ ઘટનાની જાણ 108 ને કરી અને સંજયભાઈને લોહીલુહાણ હાલત માં સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા પરંતુ સંજય ભાઈ ને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
જો કે ઘટનાને લઈ મૃતક ની પત્ની ભગીબેને સમગ્ર ઘટનાની જાણ ગઢ પોલીસને કરી અને ગઢ પોલીસ મથકે પહોંચી પતિ ની હત્યા કરવા મામલે ઉટવાડા ગામના જીગર પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડ અને એફએસએલ ની મદદ લઇ પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યારા જીગરને દબોચી લીધો હતો. જો કે, પોલીસએ હત્યારા જીગરને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરી તો જીગરે હત્યા કરવાનું કારણ જણાવ્યું. જે સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. થોડા સમય અગાઉ હત્યારા જીગર અને મૃતક સંજયભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેનું મનદુઃખ રાખી હત્યારો જીગર સંજયભાઈની હત્યા કરવા ષડયંત્ર ગોઠવી દલવાડા ગામે પહોંચ્યો હતો. અને મોકો મળતા જ જીગરે સંજયભાઈનું ઢીમ ઢાળી દીધું.
જોકે પોલીસે હત્યારા જીગરની હિસ્ટ્રી તપાસી તો આ હત્યારો જીગર અગાઉ પાટણના વાગડોદ પોલીસ મથક ના 3 જેટલાં ગુનામાં સાંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસએ અત્યારે તો હત્યારા જીગરને હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હોવાનું ડીસાના ડીવાયએસપી ચંદ્રસિંહ એલ સોલંકીએ જણાવ્યું હતું.