વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે
ત્રિકોણીયો જંગ ખેલાવાની શકયતા: ચૂંટણી તંત્ર દ્વારા બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપ -કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તેવી જાહેરાત આપના પ્રદેશ કાર્યકારી પ્રમુખ દ્વારા ડૉ.રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સંસદસભ્ય તરીકે ચુંટાતા તેમની ખાલી પડેલી જગ્યા પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ વાવમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં તેઓ પોતે પણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર થઈ શકે છે તેવા સંકેત પણ તેમણે આપ્યા છે. ડો. રમેશભાઈ પટેલ જાણીતા ઓર્થોપેડિક સર્જન છે અને તેઓ ડીસામાં પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે. તેઓ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ડીસામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે.ડો.રમેશભાઈ પટેલે ઉમેદવાર અંગે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સ્વચ્છતા, સ્વસ્થતા અને સેવાની ભાવના જેવાં મુદ્દા સાથે ચૂંટણી લડશે.
Tags Aam Aadmi Party election vav