
ડીસાના યુવાને માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકાવવા ગીત બનાવ્યું
બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. તેના સ્વખર્ચે એક ગીત બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. આમ તો સામાન્ય રીતે લોકો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા અને પૈસા કમાવવા માટે વિવિધ પોસ્ટ કે ગીત બનાવીને મુકતા હોય છે, પરંતુ ડીસાના એક યુવાને લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ આવે અને વધી રહેલા અકસ્માતોની ઘટનાઓ અટકે તે માટે એક ગીત બનાવ્યુ છે. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે મેવાડા એસી, ફ્રીજનો વ્યવસાય કરતા રાધેશ્યામ મેવાડા રોજબરોજ થતા અકસ્માતો જોઈ અને સમાચાર સાંભળી તેમના મનમાં આ ઘટનાઓને અટકાવવા માટે એક વિચાર આવ્યો અને એ વિચારના અમલ માટે તેમણે પ્રયાસો શરૂ કર્યા. બાદમાં તેમણે તેમના મિત્રો સાથે મળી એક ગીત બનાવ્યું જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો કેવા અકસ્માતનો ભોગ બને છે તે દર્શાવવામાં આવ્યું છે. આ અંગે રાધેશ્યામ મેવાડાએ જણાવ્યું હતું કે, તેમની દુકાન આખોલ ચાર રસ્તા પાસે આવેલી હોવાથી અહીં અવારનવાર નાના- મોટા અકસ્માતો થતા તેઓ જોતા હોય છે. જેમાં મહત્તમ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો જ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે રોજની આવી ઘટનાઓ જોઈ તેમના મનમાં વિચાર આવ્યો કે આવી ઘટનાઓ અટકાવવા માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. ત્યારબાદ એક ગીત બનાવ્યું અને એ ગીત બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે.