
ડીસાના ખેંટવા પાસે રેલવે નીચે પડતું મૂકી યુવકની આત્મહત્યા
ડીસા તાલુકાનો વાહરા ગામનો 43 વર્ષીય દસરથજી ઠાકોર નામનો યુવાન છેલ્લા 10 વર્ષથી માનસિક બિમારીથી પીડાઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક દવા પણ લીધા વગર અવાર નવાર ઘરેથી કહ્યા વગર જતો રહેતો હતો અને ગત બુધવારે પણ રાત્રે ઘેરથી પોતાનું બાઈક લઇ કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયો હતો. ત્યારબાદ ભીલડી લોરવાડા બ્લોક નં 41/09 પાસે ખેટવા ગામની સિમમાં રેલવે માલગાડીની ટક્કર વાગવાથી તથા ગાડી નીચે આવી જવાથી તેનુ મુત્યુ નિપજ્યુ હતું.
રેલવે નીચે પડતું મૂકી યુવકે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી ભીલડી સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી હતી. પોલીસે પંચનામું કરી લાશ વાલી વારસોને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.